ગાંધીનગરઃ એક તરફ કેન્દ્ર સરકાર 17 મે પછી લોકડાઉન નહીં લંબાવે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં લોકડાઉ કડક કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આજથી એટલે કે મંગળવારથી પાલનપુર 5 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતાં સંક્રમણને કારણે આ નિર્ણય કરાયો છે.

પાલનપુર શહેરની તમામ કરિયાણા તેમજ શાકમાર્કેટની દુકાનો આજથી બંધ રહેશે. આ ઉપરાંત ફળની દુકાનો પણ આજથી સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધ અને મેડિકલ સિવાયના તમામ વ્યાપાર ધંધા 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય જનહિતમાં લેવાયો છે.



પાલનપુર શહેરના કરિયાણા એસોસિયન, ફ્રૂટ એસોસિયન, શાકભાજી એસોસિયશન તેમજ અન્ય એસોસિયશનના હોદ્દેદારોએ નગરપાલિકા સાથે સંકલન કરી સ્વયંભૂ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસ દ્વારા આ બંધનો કડકાઈથી અમલ કરવા અને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે.

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 81 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 33 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે ત્રણ લોકોના મોત થયા છે.