રાજ્યના પાટનગર ગાંધીનગરના મગોડીલાટ ગામમાં આરોગ્ય સાથે ચેડાં કરતી એક મોટી બેદરકારી સામે આવી છે. અહીં ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડતી 50000 લીટરની ટાંકીમાંથી જીવતા સાપ અને ઘો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણીમાંથી અજીબ દુર્ગંધ આવતી હોવાથી ગ્રામજનોએ ટાંકીની અંદર તપાસ કરી, તો તેમના હોશ ઉડી ગયા હતા. ટાંકીમાંથી 1 મૃત સાપ, 5 જીવતા સાપ અને 1 મૃત ઘો મળી આવી હતી. આ ટાંકીનું પાણી ગામના લગભગ 500 જેટલા લોકો પી રહ્યા હતા, જેના કારણે લાંબા સમયથી પ્રદૂષિત પાણી પીવાને લીધે લોકોના સ્વાસ્થ્યને લઈને મોટો સવાલ ઊભો થયો છે. વન વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પાણીમાં આવતી હતી ભયંકર દુર્ગંધ

મળતી માહિતી મુજબ, મગોડીલાટ ગામમાં આવેલી આ પાણીની ટાંકી વર્ષ 2010 માં બનાવવામાં આવી હતી. આ 50000 લીટરની ટાંકીમાંથી આશરે 500 જેટલા લોકોને નિયમિત પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી લોકોના ઘરે નળમાં આવતા પાણીમાંથી ભયંકર વાસ આવવા લાગી હતી. આખરે કંટાળીને લોકોએ જાતે જ ટાંકી પર ચડીને તપાસ કરવાનું નક્કી કર્યું. જ્યારે તેમણે ટાંકીનું ઢાંકણું ખોલીને અંદર જોયું, તો અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ ડઘાઈ ગયા હતા.

Continues below advertisement
Continues below advertisement

ટાંકીમાં તરતા હતા 5 જીવતા સાપ

ટાંકીની અંદર તપાસ કરતા જોવા મળ્યું કે પાણીમાં 5 જેટલા સાપ જીવતા તરી રહ્યા હતા. આ ઉપરાંત 1 સાપ અને 1 ઘો મરેલી હાલતમાં અંદર પડ્યા હતા, જેના કોહવાઈ જવાના કારણે જ પાણીમાંથી આટલી ખરાબ દુર્ગંધ આવી રહી હતી. ટાંકીમાં સાપ હોવાની વાત વાયુવેગે આખા ગામમાં ફેલાતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

અધિકારીઓ દોડતા થયા, જાણો સાપ અંદર કેવી રીતે પહોંચ્યા

આ ગંભીર ઘટનાની જાણ ગ્રામજનોએ તાત્કાલિક સદભાવના ફાઉન્ડેશનના પ્રમુખ અરવિંદ ઠાકોરને કરી હતી. ત્યારબાદ વન વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સમય બગાડ્યા વિના તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટાંકીની બરાબર પાછળ જ એક તળાવ આવેલું છે. કદાચ ખોરાકની શોધમાં આ સાપ અને ઘો ઓવરફ્લોની પાઇપ વાટે ટાંકીમાં ઘૂસી ગયા હોવાની પૂરી શક્યતા છે.

બિનઝેરી સાપ હોવાથી મોટી જાનહાનિ ટળી

રાહતની વાત એ છે કે નિષ્ણાતોના મતે ટાંકીમાંથી મળી આવેલા આ સાપ બિનઝેરી પ્રજાતિના હતા, એટલે ઝેરના કારણે કોઈ જીવલેણ નુકસાન થવાની શક્યતા નહોતી. છતાં પણ, સૌથી મોટો સવાલ એ છે કે ગામના 500 લોકો કેટલાય સમયથી આ મૃત પ્રાણીઓવાળું પ્રદૂષિત અને ગંદુ પાણી પી રહ્યા હતા. આટલી મોટી બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે, જેને લઈને તંત્ર દ્વારા હવે યોગ્ય સફાઈ અને આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.