સુરતમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરવામાં આવી તેના અઠવાડિયામાં જ ગાંધીનગરમા એક યુવકે તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.


ગાંધીનગરમાં  ધોરણ - 12માં અભ્યાસ કરતી સગીરા આજે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે. એટલે સગીરા તેની સાથે બાઈક પર બેસી ગઈ. પરંતુ સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો અને વચ્ચે માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો. બાદમાં ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. જો કે તેનો સગીરાએ પ્રતિકાર કરતા સંજય ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ગળામાંથી લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.


આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા.  108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરી હતી અને બાદમાં યુવતીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હુમલો કરનાર યુવક સંજય ઠાકોરની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. પરિવારજનો  આક્ષેપ છે કે યુવકે યુવતી પર દુષ્કર્મ કર્યું બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે સગીરાના કાકાએ જણાવ્યું હતું કે, સગીરા પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. ત્યારે સંજય ઠાકોર મારી ભત્રીજીને મારું નામ લઈને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. બાદમાં તેની સાથે બળજબરી કરી ગળું કાપવા કટર ગળાના ભાગે મારવા લાગ્યો હતો. હાલમાં ભત્રીજીની સારવાર ચાલી રહી હોવાથી તેની વધુ પૂછપરછ કરી નથી. પોલીસે હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.