Gandhinagar: ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે. પત્રમાં જણાવ્યા મુજબ, જે રાજકીય પક્ષને ચૂંટણી પંચે અખિલ ભારતીય પક્ષ તરીકે કે રાજ્યના પક્ષ તરીકે માન્યતા આપી હોય અને વિધાનસભામાં તે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભા પક્ષ તરીકે માન્યતા આપી શકશે. 15મી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ગૃહની કુલ સંખ્યાના 10 ટકા કરતાં ઓછું હોવાથી વિધાનસભા પક્ષ તરીકે આપના પક્ષને માન્યતા મળવાપાત્ર થતી નથી. આ સંજોગોમાં આપને વિરોધપક્ષના નેતા તરીકે માન્યતા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
વિધાનસભાનું સત્ર વિપક્ષના નેતા વિહોણું હશે. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ.
કોંગ્રેસે વિધાનસભાના હોદ્દેદારોની નિમણૂક કરી
કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં હજી વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી. પરંતુ કોંગ્રેસે અગાઉ અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યા હતાં. કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભામાં પક્ષના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ડો. સી. જે. ચાવડાને દંડક, ડો. કીરીટભાઈ પટેલને ઉપદંડક, વિમલભાઈ ચુડાસમાને ઉપદંડક, ઈમરાનભાઈ ખેડાવાલાને ઉપદંડક, દિનેશભાઇ ઠાકોરને ખજાનચી, કાંતિભાઈ ખરાડીને મંત્રી, ડો. તુષારભાઈ ચૌધરીને પ્રવકતા, જીગ્નેશભાઈ મેવાણીને પ્રવકતા, ગેનીબેન ઠાકોરને પ્રવકતા તથા અનંતભાઈ પટેલને પ્રવકતા બનાવાયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળી હતી ?
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 સીટ મળી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આટલી સીટો મળી નથી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટ જ મળી હતી. રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી.
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. જેને લઈ આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં 3 અપક્ષ ધારાસભ્ય પણ હાજર રહ્યા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેને લઈ તેઓ ભાજપને સમર્થન આપશે તે નક્કી થઈ ગયું છે.