ગાંધીનગર મહિલા ડોક્ટર ડિજિટલ અરેસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો હતો. મહિલા તબીબના 19 કરોડ જે બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે 35 સામે 100 FIR નોંધવામાં આવી હતી. 35 બેન્ક એકાઉન્ટમાંથી એક ખાતું સુરતના લાલજી બલદાણિયાનું હતું. બેન્ક એકાઉન્ટ ચીટર ગેંગનો ભાડે આપ્યાની કુલ ત્રણ ફરિયાદ થઈ હતી. આ લાલજી બલદાણિયાના પોલીસે પાંચ દિવસના રિમાંડ મેળવ્યા હતા. કમ્બોડિયાની ટોળકીના ઈશારે આયોજન બદ્ધરીત ડિજિટલ એરેસ્ટ અને ઈ-ખંડણીના અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
સાયબર સેલની તપાસમાં ખુલાસો થયો હતો કે મહિલા તબીબે જે ખાતામાં રૂપિયા આપ્યા તેની સામે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર 100થી વધુ ફરિયાદ થઈ છે. જેને લઈ ગુજરાત સાયબર ક્રાઈમે અન્ય રાજ્યની મદદ મેળવી હતી. સાથે જ આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. અત્યાર સુધીમાં મહિલા તબીબના 19 કરોડમાંથી એક કરોડ રૂપિયા ફ્રીઝ કરાવવામાં પોલીસને સફળતા મળી હતી. સાત રાજ્યની વિવિધ બેન્ક એકાઉન્ટમાં ગયેલી રકમ બચાવવા સાયબર ક્રાઈમની ટીમ હજુ પણ કાર્યરત કરી હતી.
ભારતમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટનો સમય 40 કલાક સુધીનો છે અને સૌથી મોટી રકમ એક જ વ્યક્તિ પાસેથી સેરવી લીધી હોય તો એ 12 લાખની છે. ગાંધીનગરના મહિલા ડોક્ટરને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ બનાવીને 19.24 કરોડ જેવી જંગી રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો ડિજિટલ અરેસ્ટનો આ કેસ ગુજરાતનો જ નહિ, ભારતનો સૌથી મોટો કેસ બની ગયો છે.
આ કેસમાં એક્ટિવ થયેલી પોલીસે સુરતથી લાલજીભાઈ જયંતીભાઈ બલદાણિયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. મહિલા ડોક્ટરના કેસમાં લાલજીના ખાતામાં એક કરોડ ટ્રાન્સફર થયા હતા. ગાંધીનગરમાં રહેતા મહિલા ડોક્ટરને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે સાથે મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી હતી. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવી હતી. જેમાં તેને FEMA અને PMLA એક્ટ હેઠળ ભારતમાં ગુનો નોંધાશે, તેવી ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટિઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે, તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે. તેથી તમારી સામે FIR દાખલ થશે. પછી તો ધીમે ધીમે અલગ અલગ રીતે સરકારી એજન્સીઓના નામના ખોટા લેટર મોકલી ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, એફડી તોડાવી અને વર્ષો પહેલા લીધેલા શેર પણ વેચાવી નાખ્યા હતા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા તે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.