ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને (GSPC) બુધવારના (તા. 4 મે, 2022)ના રોજ GSPC સમર્થિત સીએસઆર (CSR) પ્રોજેક્ટ્સની એસેટ્સ ગુજરાત સરકારના સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સોંપી હતી. GSPC એ તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન સાથે સંકળાયેલા GSPC ગ્રુપની મુખ્ય સંસ્થા છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈ, જીએસપીસીના એમડી સંજીવ કુમાર (IAS) તેમજ જીઆઇડીસીના ઉપાધ્યક્ષ, એમ.ડી. અને GCSRAના સી.ઇ.ઓ. એમ. થેન્નારસન (IAS)ની હાજરીમાં ગાંધીનગરના જીએસપીસી ભવન ખાતે યોજાયો હતો. 


કાર્યક્રમ દરમિયાન ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, “જીએસપીસીએ CSR બાબતે ખૂબ જ સારી કામગીરી કરી છે. તેમના વિભાગના ટીમ વર્ક અને સંકલનથી વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે”. 


એમ. થેન્નારસને અલગ-અલગ ક્ષેત્રે કરવામાં આવતી સીએસઆર પ્રવૃત્તિઓ અંગે ઊર્જામંત્રીને ટુંકમાં જણાવ્યુ હતુ તેમજ સીએસઆરના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે તેમને માહિતગાર કર્યા હતા. 


ગુજરાત સીએસઆર ઓથોરિટી (GSCRA) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ છે, જે જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને સીએસઆર ફંડનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરે છે અને રાજ્યના કલ્યાણ અને સુખાકારીમાં પણ યોગદાન આપે છે. આ ઉપરાંત, GCSRA  અન્ય કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટર યુનિટ્સ (PSUs)ને CSR વ્યૂહરચના તેમજ એન્યુઅલ પ્લાનના ડેવલપમેન્ટમાં પણ મદદ પૂરી પાડે છે.


ઉલ્લેખનીય છે કે GSPCએ બે પ્રોજેક્ટ્સ માટે GSCRA સાથે ભાગીદારી કરી છે. પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની કટોકટીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ નર્મદા અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી બે ટાઇપ-ડી એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી. 


બીજા પ્રોજેક્ટમાં ત્રણ મિનિમાઇઝ્ડ અને કન્વિનિયન્ટ ક્રાઇસિસ રિસ્પોન્ડર રોબોટ્સ એટલે કે ન્યૂનતમ અને કટોકટીના સમય માટે અનુકૂળ પ્રતિક્રિયા આપતા રોબોટ્સ તૈયાર કરવામાં આવ્યા જે, અગ્નિશામક દળને એલિવેટેડ સ્ટ્રક્ચરની આગ સામે લડવામાં મદદ કરશે, ખાસ કરીને અતિશય જોખમી પરિસ્થિતિમાં આ રોબોટ્સ ખૂબ જ મદદરૂપ બને છે. આ રોબોટ્સ પહાડીઓ પર તેમજ છીછરા પાણીમાં પણ સરળતાથી ચાલી શકે છે અને 100 કિલોગ્રામનો પેલોડ વહન કરી શકે છે. મંત્રીએ આ રોબોટ્સ કઈ રીતે કાર્ય કરે છે તેનું લાઈવ પ્રેઝન્ટેશન કાર્યક્રમ દરમિયાન નિહાળ્યું હતું.


નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં GSPC ગ્રુપ હાઇડ્રોકાર્બન ક્ષેત્રે અનેક સીમાચિહ્નો પાર કરવામાં સફળ રહ્યું છે અને સાથે જ આ ગ્રુપએ દેશમાં E&Pના ક્ષેત્રને પણ સફળતાપૂર્વક પુનઃવ્યાખ્યાયિત કર્યું છે. GSPC ગ્રુપની કંપનીઓ એનર્જી વેલ્યુ ચેઈનના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને ક્ષેત્રમાં સામૂહિક રીતે હાજરી ધરાવે છે.