Gandhinagar News: આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર રહેશે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં આઇએએસ અધિકારીની કેટલી જગ્યા ખાલી છે તેવા પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો કે, ગુજરાતમાં આઇએએસ અધિકારીની કુલ 56 જગ્યા ખાલી  છે. રાજ્યમાં આઇએઅસની કુલ 313 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જે પૈકીની 56 જગ્યાઓ ખાલી છે. રાજ્યના 19 આઈએએસ અધિકારી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે.


આજનું બજેટ અમૃતકાળનું બજેટ હશેઃ ભૂપેન્દ્ર પટેલ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજનું બજેટ અમૃતકાળનું બજેટ હશે. આત્મનિર્ભરતા તરફ દોરી જતું બજેટ હશે. લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ હશે.


અમિત ચાવડાએ શું કહ્યું


બજેટ પહેલાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, ચૂંટણીમાં મોટા વચનો આપ્યા હતા, 156 સીટો સાથે સરકાર બની છે, લોકોને આશા છે કે બજેટમાં ટેક્સમાં રાહત મળે. ખેડૂતોના દેવા માફ થાય અને રાહત મળે તેવું બજેટ હોય તેવી આશા છે. Gst અને અન્ય ટેક્સમાંથી નાના વ્યાપારીને રાહત મળે તેવુ બજેટ હોય. યુવાઓને રોજગારી મળે તેવા બજેટની આશા છે.


ગેનીબેન ઠાકોરે શું કહ્યું


આજે રજૂ થનારા બજેટ અંગે વિધાનસભામાં કોંગ્રેસના પ્રવકતા ગેનીબેન ઠાકોરે કહ્યું, ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે, મોંઘવારી વધારો થયો છે, વિદ્યાર્થી અને મહિલાની જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થઈ છે.
156 સીટ સાથે જીત થઈ છે તેમાં મહિલાઓનો પણ હિસ્સો હશે, તેમને રાહત મળે તેવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ.


બજેટમાં શેના પર રહેશે નજર


આજે 15મી વિધાનભાનું પ્રથમ બજેટ વિધાનસભાગૃહમાં રજૂ થશે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં બીજીવાર બજેર રજૂ કરશે ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે શું નિર્ણયો લેવામાં આવે તેની પર નજર રહેશે. આ બજેટમાં પ્રવાસન તેમજ ટુરીઝમ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવી શકે છે. આ ઉપરાંત વિધાનસભામાં જંગી બહુમતી જીત મળ્યા બાદ લોકોની અપેક્ષા પણ આ બજેટ પર ઘણી છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.27 કરોડનું હતું. આ વર્ષે બડેટમાં વધારો થવાની શક્યતાઓ છે. આ વર્ષનું બજેટ 2 લાખ અને 50 હજાર કરોડ કરતા પણ વધારે રહેવાની શક્યતા છે. સરકાર પાસેથી લોકોને શું રાહત મળશે તેના પર સૌની નજર રહેશે.