ગાંધીનગર: ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેર આયે દુરસ્ત આયે. પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના, આશા, અપેક્ષા અને માણસો ફૂટે છે. આ વિધેયક માત્ર કાયદો બનીને ન રહી જાય પરંતુ તેની અમલવારી કડક થાય તે જરુરી છે. એક કે બે વાર પેપર ફૂટે તો તેને ભૂલ કહેવાય. 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પેપર ફૂટ્યા છે. જે ગતિથી બહુમતી મળી એ જ ગતિથી છેલ્લે પેપર ફૂટ્યા. આ સરકારને અનુભવી સરકાર કહી શકાય. વિધેયક પાસ થઈ કાયદો બને તેની અમલવારી 2014થી કરવાનું મારું સૂચન છે.
તેમણે વધુમાં કહ્યું કે, બિન સચિવાલયનું પેપર ફૂટયું તે પહેલાં NSUIએ રજૂઆત કરી હતી. અત્યાર સુધી ફૂટેલા પેપર અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે. રાજ્યમાં દારૂબંધી અંગે પણ કાયદો છે, તેમ છતાં ઠેર ઠેર દારૂ વેચાય છે અને પીવાય પણ છે. માત્ર કાયદો બનાવવાથી કામ નહી થાય, કડક પગલાં પણ લેવા પડશે. લોકોને અગવડતા પડી રહી છે તેના પર ધ્યાન આપવામાં આવે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હેરાન થયા છે. અમારી વિનંતી છે કે ઓપન સેશન રાખવામાં આવે અને પૂછવું જોઈએ કે, તેમને કેટલી તકલીફોમાંથી પસાર થવું પડ્યું છે. અત્યાર સુધીમાં અનેક વાર પેપર ફૂટ્યા છે. નાના નાના લોકો પકડાય છે અને મોટા માથા છૂટી જાય છે.
આપણી આટલી મોટી વ્યવસ્થા છે તો શા માટે આઉટ સોશિંગ કરાવવું પડે છે. આપણે જાતે જ કેમ પેપર પ્રિન્ટ નથી કરતા તે દિશામાં પણ વિચાર કરવો જોઈએ. સરકારી પ્રેસમાં જ પેપર છાપવા જોઈએ. ઉમેદવાર પાસેથી પરીક્ષાની ફી ના લેવી જોઈએ. ઉમેદવારો માટે પરીક્ષાની તૈયારી માટે વ્યવસ્થા કરવી જોઈએ.
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાનું વિધેયક વિધાનસભામાં થયું રજૂ
13-13 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા બાદ જાગેલી સરકારે આજે વિધાનભામાં બોર્ડ, યુનિવર્સિટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક રજૂ કર્યું છે. જેમાં ગેરરીતિ આચરનારાઓને ત્રણ વર્ષ સુધી કેદની જોગવાઈ છે.
- પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે
- પ્રવેશ ન કરવા દેનાર કે ધમકાવનાર વ્યક્તિ સામે ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો આર્થિક દંડ
- પરીક્ષાર્થી અને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવેલ વ્યક્તિ જો પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરે છે તો તેને ₹10,00,000 થી ઓછો નહીં તેટલો દંડ અને વધુમાં વધુ દસ વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ
- આયોજન પૂર્વક પરીક્ષામાં ગેરરીતી આચાર્ય એટલે કે પેપર ફોડવા જેવી બાબત અંગે ઓછામાં ઓછી સાત વર્ષની કેદની સજા અને વધુમાં વધુ દસ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે
- કોઈ પરીક્ષાથી ગેરરીથી પકડાઈ અને ગુનો સાબિત થાય તો તેને બે વર્ષ માટે કોઈ જાહેર પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે
વિધેયકમાં પરીક્ષાર્થીઓએ મેળવેલી અનઅધિકૃત મદદ, ગેરરીતિ કરવા કે આચવાને અટકાવવા બાબતોનો સમાવેશ કરાયો છે. ઉપરાંત પ્રશ્નપત્ર અને ઉત્તરવહી તથા ઓએમઆર શીટ અનઅધિકૃત કબ્જો લેવાય તેની સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. પરીક્ષા કાર્ય સોંપવામાં આવ્યું હોય અથવા તેવી કોઈ વ્યક્તિ થકી પેપર ફૂટી જતું અટકાવવા બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ તથા જાહેર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સિવાય કોઈ સ્થળનો ઉપયોગ ન કરવાનો સમાવેશ છે.