Gandhinagar: ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે ગૃહમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યની ઈજનેરી કોલેજોમાં વર્ષ 2022માં ડિગ્રી ઈજનેરી 39 હજાર 340 બેઠકો ખાલી રહી હતી. તે સિવાય વર્ષ 2022માં ડિગ્રી ઈજનેરીની 71 હજાર 619 પૈકી 30 હજાર 70 બેઠકો ભરાઇ હતી. વર્ષ 2023માં ડિગ્રી ઈજનેરીની 32 હજાર 818 બેઠકો ભરાઇ હતી તો 38 હજાર 811 ખાલી રહી હતી.
વર્ષ 2022માં ડિપ્લોમા ઈજનેરીની 27 હજાર પાંચ બેઠકો ખાલી રહી હતી જ્યારે વર્ષ 2022માં ડિપ્લોમા ઈજનેરીની 69 હજાર 223 પૈકી 41 હજાર 156 બેઠકો ભરાઇ હતી. વર્ષ 2023માં ડિપ્લોમા ઈજનેરીની 45 હજાર 722 બેઠકો ભરાઇ હતી જ્યારે વર્ષ 2023માં ડિપ્લોમા ઈજનેરીની 23 હજાર 501 બેઠકો ખાલી રહી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ જાણકારી આપી હતી.
કેન્દ્ર સરકારે ગુજરાતને આપી ઓછી રકમ
વિધાનસભામાં ગુજરાત સરકારે સ્વીકાર કર્યો હતો કે નેશનલ હેલ્થ મિશન હેઠળ કેન્દ્રએ ગુજરાતને ઓછી રકમ આપી હતી. રાજ્ય સરકારે વર્ષ 2021-22માં 86,342 લાખની માંગ કરી હતી જેની સામે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 69, 850 લાખ રૂપિયાની ફાળવણી કરી હતી. વર્ષ 2022-23માં રાજ્ય સરકારે 90, 660 લાખની માંગ કરી હતી જેની સામે કેન્દ્ર સરકારે 69,427 લાખની ફાળવણી કરી હતી.
તે ઉપરાંત વર્ષ 2023-24 ડિસે. સુધીમાં 71 હજાર 394 લાખની માંગ કરાઇ હતી. અત્યાર સુધીમાં માત્ર 53 હજાર 572 લાખ રકમ ફાળવવામાં આવી છે. કેન્દ્ર તરફથી મળેલી તમામ રકમનો ગુજરાત સરકારે ખર્ચ કર્યો છે. કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો હતો.
નળ સરોવર પક્ષી અભ્યારણમાં પક્ષીઓનો શિકાર થતો હોવાનો સરકારે કર્યો સ્વીકાર
નળ સરોવર પક્ષી અભ્યારણમાં પક્ષીઓનો શિકાર થતો હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2022મા 3 જ્યારે વર્ષ 2023 મા 6 કેસ શિકારીઓ સામે નોંધવામાં આવ્યા છે. શિકાર કરતા 3 શિકારીઓને પકડવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી હતી.
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ફિઝિયોથેરાપીસ્ટની જગ્યાઓ ખાલી હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. મંજૂર કરાયેલી 92 જગ્યાઓ સામે 55 જગ્યાઓ ભરાયેલી જ્યારે 37 જગ્યાઓ ખાલી છે. ખાલી મહેકમ ભરવા માટે માંગણી પત્રક મંગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સવાલના જવાબમાં સરકારે આ જાણકારી આપી હતી.