Gujarat Assembly Updates: હોટેલનું એક દિવસનું  જમવાનું બિલ થાય તેના કરતા પણ ઓછા રૂપિયા ફાળવાય છે વિદ્યાર્થીઓને એક મહિનો મધ્યાહન ભોજન પીરસવા પાછળ, જાણીને આશ્ચર્ય થશે કે રાજ્ય સરકાર મધ્યાહન ભોજન યોજના પાછળ એક બાળક દીઠ મહિને માત્ર  129 થી 200 રૂપિયા ખર્ચે છે. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં આ હકીકત સામે આવી છે.


 વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન વિધાનસભા કૉંગેસ પક્ષના નેતા અમિત ચાવડાએ  રાજ્યમાં મધ્યાહન  ભોજન યોજના પાછળના ખર્ચ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં શિક્ષણમંત્રીએ આપેલી લેખિત વિગતો ચોકાવનારી છે . છેલ્લા બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ 1890.18 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. વર્ષ 2021 - 22માં 993.34 કરોડ અને વર્ષ 2022 - 23માં 896.84 કરોડ રૂપિયા ખર્ચાયા હતા . હવે આ આંકડા ઉપરથી એમ લાગશે કે આ કરોડોનો ખર્ચ  અધધ છે. પણ જયારે પ્રતિ બાળક મહિને કેટલા રૂપિયા ખર્ચાયા તેની વિગતો ઉપર નજર કરીએ ત્યારે આશ્ચર્ય અને આંચકો લાગશે. 


 ફેબ્રુઆરી 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન ધોરણ એક થી પાંચમાં પ્રતિ બાળક પ્રતિ માસ 129.22 રૂપિયા જયારે ધોરણ છ થી 8માં પ્રતિ બાળક પ્રતિ માસ 193.70 રૂપિયાનો ખર્ચ થયો.  તેવી જ રીતે ફેબ્રુઆરી 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન ધોરણ 1 થી પાંચમાં એક બાળક દીઠ  એક મહિને 143 રૂપિયા અને ધોરણ 6 થી 8માં  વિદ્યાર્થી દીઠ મહિને 200.72  રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે . રાજ્ય સરકાર અહીં પોતાના બચાવમાં એવું જણાવે છે કે ભારત સરકાર દ્વારા કરવામાં આવતા વધારા મુજબ બાળકદીઠ ફાળવાતી રકમમાં વધારો કરવામાં આવે છે.


આકસ્મિક સંજોગોમાં ખેડૂત ખાતેદારોને સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂત ખાતેદારોને આકસ્મિક સંજોગોમાં આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 1996 થી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અમલી બનાવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 136 ખેડૂત ખાતેદારોને રૂપિયા 264 લાખની સહાય ચૂકવાઇ છે. આજે વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને આવરી લેવાયા છે. જેમાં અકસ્માતે મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં સહાય ચૂકવાય છે.તેમજ ખાતેદાર ખેડૂતના સીધી લીટીના વારસદાર ખાતેદારને સહાય અપાય છે. આ માટે ખાતેદાર ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી ખેડૂતો વતી વીમાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે.