Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું.


બિલ રજૂ થયા બાદ ચર્ચા દરમિયાન અમિત ચાવડાએ કહ્યું, આટલા વર્ષો પછી ભાજપ સરકારને આ બિલ લાવવાની કેમ જરૂર પડી? સરકારને કેમ રાતોરાત ગુજરાતી પ્રત્યે પ્રેમ ઉભરાયો, ગુજરાતી ભાષાના આગેવાનોએ અભિયાન શરૂ કર્યું. વારંવાર સરકારમાં આ અંગે રજૂઆત કરી પણ સરકારે ધ્યાનમાં ના લીધું, અંતે ગુજરાતી ભાષાના આગેવાનો હાઇકોર્ટમાં પિટિશન કરીને ભૂતકાળના સરકારના જીઆરનો અમલ કરાવવા દાદ માંગી હતી. 13 એપ્રિલ 2018માં ગુજરાત સરકારનો જીઆર છે તે મુજબનું આ બિલ રજૂ કરાયું છે.


અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું


ફરજિયાત ગુજરાતી ભાષા અંગેના બિલની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું, અંગ્રેજી માધ્યમને પ્રોત્સાહન આપી આપને સૌ ભોગ બન્યા છીએ. પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં જ હોવું જોઈએ.
યુગાન્ડા, કેન્યામાં પણ ગુજરાતીમાં ભણાવતી શાળાઓ છે, જે લોકો એવું ગૌરવ લે છે કે મારા સંતાનને ગુજરાતી નથી આવડતું તેમણે ડૂબી મરવું જોઈએ. માત્ર આપણી ભાષા ગુજરાતી જ નહિ આપણી બોલીઓ સાચવવી જોઈએ. તેમણે સૂચન કરતાં જણાવ્યું, દુભાષિયાઓને પ્રોત્સાહન આપી આ ક્ષેત્રમાં લોકો વધે તેવા પ્રયાસ કરવા જોઈએ. વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારોને પણ આપણી ગુજરાતી ભાષા શીખવવા પ્રયાસ કરવા જોઈએ. વધુમાં વધુ બાળકો ગુજરાતી માધ્યમમાં ભણતા થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. ગાંધીજી અને મહારાજા ભગવતસિંહ બાદ ભાષાકોષ બનાવવાનો પ્રયાસ નથી થયો, વિદ્યા સમીક્ષા કેન્દ્રનું મોનિટરીંગ અભિનંદનને પાત્ર છે.


ગુજરાતમાં ગુજરાતી ભાષા માટે બિલ લાવવું પડે તે યોગ્ય બાબત નથીઃ કિરીટ પટેલ


ફરજિયાત ગુજરાતી ભાષા સંબંધિત બિલની ચર્ચા દરમિયાન કિરીટ પટેલે જણાવ્યું, વિશ્વમાં 7 હાજર ભાષાઓમાં 27માં નંબરે ગુજરાતી ભાષા છે. ભારતના બંધારણમાં 5મી ભાષા તરીકે સ્થાન પામનારી ભાષા છે.
જે લોકો ગુજરાતી ભાષા ભૂલે છે તે પોતાની સંસ્કૃતિ ભૂલે છે અને આવા લોકો વિકાસ કરી શકતા નથી.
ગુજરાતમાં ગુજરાતી ભાષા માટે બિલ લાવવું પડે તે યોગ્ય બાબત નથી. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ઉપર કંટ્રોલ ના રાખી શક્યા એટલે અત્યારે આ બિલ લાવવું પડ્યું. ખાનગી શાળામાં યોગ્યતા મુજબનો સ્ટાફ નથી,
છેલ્લા 10 વર્ષમાં 2600 જેટલી પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓ બંધ થઈ. બંધારણમાં પણ સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યું છે કે માતૃભાષામાં અભ્યાસ માટેની વ્યવસ્થા રાજ્યએ કરવા જોઈએ. 27 વર્ષથી તમારી સરકાર છે, અને તો હવે 17 જ રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના 5 જૂની કમિટીએ જજમેંટ આપ્યું છે કે, કોઈપણ રાજ્ય આ રીતે ફરજિયાત કરી શકે નહિ.