Gandhinagar News: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ગુજરાત સાથે ઓટો પાર્ટ્સ, એનર્જી અને એગ્રીકલ્ચર સેક્ટરમાં સહયોગ સાધીને આગળ વધવાની તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઓટો હબ તરીકે ખ્યાતિ પામેલું રાજ્ય છે તે સંદર્ભમાં બ્રાઝિલના ઉદ્યોગકારો ગુજરાતમાં ઓટો પાર્ટ્સ ક્ષેત્રે રોકાણ માટે આવી શકે તેમ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગાએ બેઠકની ચર્ચાઓમાં કહ્યું કે, બાયો ફ્યુઅલ ટેકનોલોજી તેમજ બાયોગેસ ક્ષેત્રમાં બ્રાઝિલ પાસે જે વિશેષતા છે તેને યોગ્ય પાર્ટનર મળે અને આ ક્ષેત્રોમાં પણ સહભાગીતાથી આગળ વધવાની તેમની ઉત્સુકતા છે.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન ચર્ચા-પરામર્શમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, બ્રાઝિલમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ઉપરાંત આઇ.ટી અને એનર્જી સેક્ટરમાં પણ ભારત અને ગુજરાતની કેટલીક કંપનીઝ કાર્યરત છે.
બ્રાઝિલના એમ્બેસેડર કેનેથ ફેલિક્સ હઝિન્સ્કી દ નોબ્રેગાએ પણ સ્વીકાર્યું કે, બ્રાઝિલમાં પણ હવે કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની આડઅસર અનુભવાય છે અને કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
કૃષિ અને પશુપાલનમાં અગ્રેસર બ્રાઝિલે ગુજરાતથી ગીર ગાય આયાત કરી હતી તે અંગે બ્રાઝિલના રાજદૂતે કહ્યું હતું કે, બ્રાઝિલમાં ગીર ગાયની બ્રીડ વિકસાવવામાં આવી છે. અત્યારે બ્રાઝિલ ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડને સિમેનના 40,000 ડૉઝ એક્સપોર્ટ કરે છે. ઘાસચારાની સારી ગુણવત્તા અને બ્રીડ સુધારણાને કારણે બ્રાઝિલમાં દૂધ ઉત્પાદન વધ્યું છે.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ નવી દિલ્હીમાં બ્રાઝિલ એમ્બેસીના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સેક્ટરના ફર્સ્ટ સેક્રેટરી વેગનર સિલ્વા એ એન્ટુન્સ પણ સહભાગી ગયા હતા.