ગાંધીનગરઃ પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પડતર પ્રશ્નોને લઈને હજારોની સંખ્યામાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે. આરોગ્ય કર્મચારીઓની ચીમકીને પગલે સચિવાલય અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


આ વિરોધ પ્રદર્શન દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ આંદોલનને આક્રમક બનાવાની રણનીતિ તૈયાર કરી છે.  હવે કાલે આ કર્મચારીઓ ગાંધીનગરમાં ફરી રેલી યોજશે.  તો શનિવારે ગાંધીનગરમાં રસ્તા રોકો આંદોલન કરશે.  જે બાદ સોમવારે પરિવાર સાથે ધરણા પ્રદર્શન કરશે.  તેમ છતાં જો સરકાર પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો 20 સપ્ટેમ્બરથી ભૂખ હડતાલ પર ઉતરશે.  પંચાયતના આરોગ્ય કર્મચારીના આક્રમક તેવરને લઈને સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.


રાજ્ય સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પાંચ મંત્રીઓને કમિટી બનાવી છે.  જેમાં હર્ષ સંઘવી, જીતુ વાઘાણી સહીત પાંચ મંત્રીઓનો સમાવેશ થયો છે. પરંતુ આ કમિટી 15 દિવસ જેટલો સમય વિત્યો છતાં હજુ એકપણ આંદોલનને ડામવામાં સફળ રહી નથી. ભાજપની જ ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ છેલ્લા 3 અઠવાડિયાથી ખેડૂતોના પ્રશ્નને લઈને સરકાર સામે આંદોલન ચલાવી રહી છે. મંત્રીઓના નિવાસસ્થાનના ઘેરાવ પણ કર્યા છે  પરંતુ સરકાર હજુ સુધી તેમની માંગ સ્વીકારવા તૈયાર થઈ નથી.


ત્યારે આજે કિસાન સંઘે પરવાનગી ન હોવા છતાં મુખ્યમંત્રી આવાસ સુધી રેલીનું આયોજન કર્યુ છે. આ રેલીમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉમટ્યા છે તો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


 


બીજી તરફ વિધાનસભાની ચૂંટણી અગાઉ વિપુલ ચૌધરીની ધરપકડથી ઉત્તર ગુજરાતની રાજનીતિમાં મોટો ગરમાવો આવ્યો છે. વિપુલ ચૌધરી જૂથ ના સમર્થકો ગાંધીનગર એકઠા થયા હતા. વિપુલ ચૌધરીના પંચશીલ બંગલોમાં તેમના સમર્થકો એકઠા થયા હતા. વિપુલ ચૌધરીની ધરપકડ મામલે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે. તો આ તરફ વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણામાં સભા યોજાઈ હતા.  અર્બુદા ભવન પર વિપુલ ચૌધરીના સમર્થકોએ સભા યોજી હતી. વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાયેલી સભામાં કૉંગ્રેસના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.  સભા બાદ કલેક્ટરને આવેદનપત્ર અપાશે.