Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, દહેગામમાં ગણેશ મહોત્સવના ડાયરામાં બબાલ થઇ હતી. ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ચાર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બુટલેગરના પુત્રએ ડાયરામાં બબાલ કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાજર લોકો પર કાર ચઢાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.                                 

  


ગઇકાલે રાત્રે દહેગામમાં સરદાર શોપિંગ સેન્ટર વિસ્તારમાં તોડફોડની ઘટના બની હતી. ગણેશ ઉત્સવમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, ડાયરામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરમિયાન બે યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ તોફાની તત્વો દ્વારા ગણેશ પંડાલ અને ગાડીઓના કાચ તોડ્યા હતા. સમગ્ર ઘટનામાં ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચી જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.                                 

સ્થાનિકોએ કહ્યું હતું કે ગણેશ ઉત્સવ નહીં પરંતુ એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં બબાલ થઇ હતી. સ્થાનિકોના આરોપ મુજબ નામચીન બુટલેગર દ્વારા ડાયરાના સ્થળ પર આવી કોઈ વ્યક્તિ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો. બુટલેગરે હાજર લોકો પર પોતાની ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બુટલેગરે ત્યાં હાજર એક વ્યક્તિ પર ગાડી ચઢાવી દેવા માટે અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિકોના કહેવા અનુસાર, આ બબાલ પાર્કિંગને કારણે નહીં પરંતુ જૂની અદાવતને કારણે થઇ હોવાની જાણકારી મળી રહી છે. પોલીસ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


ઉલ્લેખનીય છે કે 10 દિવસની આરાધના બાદ આજે વિઘ્નહર્તાની વિદાય કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં રંગેચંગે વિધ્નહર્તા બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામા ગણેશજીની મૂર્તિ વિસર્જનની શરુઆત થઇ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપીની ટૂકડીઓ તૈનાત કરાઇ છે.