ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 19મી ડિસેમ્બરે 10,879 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું નોટિફિકેશન 29મી નવેમ્બરે જાહેર થશે. મતદાન 19 ડિસેમ્બર રવિવારે મતદાન યોજાશે. મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થશે. આજે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.
સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે. બેલેટ પેપરથી મતદાન થશે. પુનઃ મતદાનની તારીખ (જરૂર જણાય તો) 20 ડિસેમ્બર છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24મી ડિસેમ્બર છે. ગ્રામ પંચાયત માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રની ચકાસણી 6 ડિસેમ્બરે થશે. તેમજ ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર છે.
આ 10,879 અંદાજિત ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.
'ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, એની જોડે માનવતા પૂર્વક જ વ્યવહાર થવો જોઇએ'
સુરતઃ ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને આદેશ આપ્યો છે કે, ટ્રાફિકના નિયમો તોડવા બદલ કોઈ પણ વ્યક્તિ સાથે ગુનેગાર જેવું વર્તન ના કરાવું જોઈએ. સુરતમાં રવિવારે રાત્રે પોલીસ ગૌરવ સમારોહમાં મહત્વપૂર્ણ નિવેદન કરતાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી તેથી તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ.
સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી ને કહ્યું કે, પોલીસ તંત્રે પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવાનો ક્યારેય મોકો જ ન આવે. એ પ્રકારનો ખૌફ લોકોની અંદર હોવો જ જોઇએ અને આવનારા દિવસોમાં આપણે ઉભી કરશું. પરંતુ પોલીસનો ખૌફ એટલે કોઈ ટ્રાફિક પોલીસ એક સામાન્ય નાગરિકને ઊભો રાખે અને એક હેલ્મેટ નથી પહેર્યું તો એની જોડે ગુનેગાર જેવું વર્તન નહીં કરતાં. એક ગૃહમંત્રી તરીકે હું સૂચન પણ આપું છું અને સૂચના પણ આપું છું. આ શહેરના એક એક નાગરિક એ તમારી ઉપર ગર્વ અનુભવે છે. પરંતુ તમારો એક નાનો વ્યવહાર પણ ખરાબ થશે તો આખા પોલીસ આલમને ક્યાંકને ક્યાંક બદનામી આપશે.