Gujarat Assembly Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. બંને તબક્કાના મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામ માટેની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. હાલ 182 સીટના પ્રારંભિક વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 149, કોંગ્રેસ 19, આપ 10 અને અન્ય 4 બેઠક પર આગળ છે. 


માધવસિંહ સોલંકીના નામે કયો છે રેકોર્ડ


ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી  કોઈ તોડી શક્યું નથી


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates


અમરેલી જિલ્લામાં શું છે સ્થિતિ


અમરેલી જિલ્લામાં 5 બેઠકો છે. જેમાં ત્રણ સીટ પર કોંગ્રેસ, એક સીટ પર ભાજપ અને એક સીટ પર આમ આદમી પાર્ટી આગળ છે. અમરેલી જિલ્લાની મત ગણતરી પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે થઈ રહી છે.  દરેક બેઠકમાં 14 ટેબલ પર મત ગણતરી થઈ રહી છે.


ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે


રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.


શું હિમાચલમાં ઉલટફેર થશે?


હિમાચલ પ્રદેશમાં 1985 થી, કોઈપણ પક્ષ સતત બે વિધાનસભા ચૂંટણી જીતી શક્યો નથી. જો આ પહાડી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તો તે એક રેકોર્ડ હશે. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલ મુજબ, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપને 33-41 બેઠકો, કોંગ્રેસને 24-32 બેઠકો, AAPને શૂન્ય અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે.