Gujarat Assembly Live: ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું

વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે

gujarati.abplive.com Last Updated: 23 Feb 2023 04:52 PM
અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો

ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયકની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયાએ નિવેદન  આપ્યું છે. મોઢવાડિયાએ સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે.  હરિયાણા અને રાજસ્થાન સરકારે આવો કાયદો બનાવ્યો છે. હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે.  હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ વાપર્યો છે. જાહેર પરીક્ષામાં ગેરરીતિ કરવાનો અધિકાર શિક્ષકોનો છે.  10, 12, કોલેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરે તેને શું પોલીસને હવાલે કરશો?  પોલીસની ટીકા નથી કરતો પણ તેમને ગુનેગાર સાથે ડીલ કરવાની તાલીમ અપાય છે તેવી ટિપ્પણી મોઢવાડિયાએ કરી હતી.

ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન

ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ છે. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના, આશા , અપેક્ષા અને માણસો ફૂટે છે. આ વિધેયક માત્ર કાયદો બનીને ન રહી જાય પરંતુ તેની અમલવારી  કડક થાય. 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પેપર ફૂટ્યા છે. વિધેયક પાસ થઈ કાયદો બને તેની અમલવારી 2014થી કરવાનું મારું સૂચન છે.

વિધાનસભા ગૃહમાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જોવા મળી

વિધાનસભા ગૃહમાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જોવા મળી હતી. ઘણા લાંબા સમય બાદ વિપક્ષે રાજ્યપાલના સંબોધનમાં વિરોધ કર્યો ન હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બાબતની નોંધ લેતા વિપક્ષનો આભાર માન્યો હતો. વિપક્ષે ગૃહની ગરિમા જાળવી હોવાનું કહી રાજ્યપાલે વિપક્ષનો આભાર માન્યો હતો.

ગુજરાત વિધાનસભા પરિસર બહાર કોગ્રેસનો વિરોધ

ગુજરાત વિધાનસભા પરિસર બહાર કોગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોગ્રેસે પેપરકાંડ મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.  અમિત ચાવડાએ કહ્યું હતું કે કાયદા બનાવવાથી પરિણામ નથી આવતું. સાચા અર્થમાં પેપરકાંડ મુદ્દે સરકાર કામગીરી કરે.

સરકારે ભલે વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું અમે અમારી ભૂમિકા નિભાવીશું

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ના મળવા અંગે સી જે ચાવડાએ કહ્યું હતું કે સરકારે ભલે વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું અમે અમારી ભૂમિકા નિભાવીશું. 156 બેઠક જીતીને સરકાર અભિમાનમાં આવી ગઈ છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ રહી ગયું છે. વિધાનસભાના નિયમો કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જ હતા. સરકારે વિધાનસભાના નિયમો સ્વીકારી પદ આપવું જોઈએ. અમે સકારાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવશું

પેપર ફૂટતા રોકવા સરકાર બિલ લાવશે

પેપર ફૂટતા રોકવા સરકાર આજે ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 રજૂ કરશે. તો આવતીકાલે વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ બજેટ ફાળશે. આ સાથે ઇમ્પેક્ટ ફીમાં અરજી કરવાની મુદત વધારવાનું બિલ 27 ફેબ્રુઆરીએ અને પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરતું બિલ 28 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. કુલ 25 દિવસમાં 27 બેઠક થશે.જેમાં રાજ્યના વિકાસ અંગે વિવિધ કાર્યવાહી હાથ ધરાશે.

25 દિવસમાં 27 બેઠક થશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરશે. આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ થશે ત્યારબાદ સ્વર્ગસ્થ પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી અને અન્ય પૂર્વ દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી શોક પ્રસ્તાવ પસાર કરી કામગીરી હાથ ધરાશે.

અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા પરિસરમાં કરી સફાઇ

સત્ર પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા પરિસરમાં સફાઇ કરી હતી.તેમણે રાષ્ટ્રપુરુષોની પ્રતિમાની સફાઇ કરી હતી. વિધાનસભાના કર્મચારીઓ સાથે મળીને શંકર ચૌધરીએ સફાઇ કરી હતી.


 


 


 

બ્રેકગ્રાઉન્ડ

Gandhinagar: આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે. પત્રમાં જણાવ્યા મુજબ, જે રાજકીય પક્ષને ચૂંટણી પંચે અખિલ ભારતીય પક્ષ તરીકે કે રાજ્યના પક્ષ તરીકે માન્યતા આપી હોય અને વિધાનસભામાં તે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભા પક્ષ તરીકે માન્યતા આપી શકશે. 15મી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ગૃહની કુલ સંખ્યાના 10 ટકા કરતાં ઓછું હોવાથી વિધાનસભા પક્ષ તરીકે આપના પક્ષને માન્યતા મળવાપાત્ર થતી નથી. આ સંજોગોમાં આપને વિરોધપક્ષના નેતા તરીકે માન્યતા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.


વિધાનસભાનું સત્ર વિપક્ષના નેતા વિહોણું હશે. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ. 


કોંગ્રેસે વિધાનસભાના હોદ્દેદારોની નિમણૂક કરી


કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં હજી વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી. પરંતુ કોંગ્રેસે અગાઉ અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યા હતાં.









ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળી હતી ?








- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.