ગાંધીનગરઃ આજે ભાવનગરથી સોમનાથ સુધીનો ખરાબ રસ્તાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. રાજુલાનાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું, આ રસ્તો એટલો ખરાબ કે ક્યારેક ધારાસભ્યની બોર્ડવાળી ગાડી લઇને પ્રસાર થઈએ તોય શરમ આવે. શરમનાં કારણે અમારે ધારાસભ્યનું બોર્ડ ઉતારી લેવું પડે.
રાજ્યની સરકાર ટનાટન ચાલે છે, પરંતુ કેટલાય વર્ષોથી ભાવનગરથી સોમનાથનો હાઈવે આજે પણ નથી. એ રસ્તો સરકારે તૈયાર કરવો જોઈએ. અગરીયા અને નાના સમાજ માટે કંઈક કરવું જોઈએ. નાના રણમાં અગરીયાઓના અધિકાર છિનવાયા છે. મીઠાની પણ ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. આખા ગુજરાતમાં મીઠાના એક જ ભાવ મળે એવું સરકારે વિચરવુ જોઈએ, તેમ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું.
ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયાએ પ્રવચનમાં કહ્યુ, પ્રતાપભાઈના પિતાજી બુલેટ રાખતા ત્યારે પાછળ એક વ્યક્તિને રાખતા જેથી પડી જાય તો ખબર પડે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે વળતો જવાબ આપ્યો હતો. દૂધાતે કહ્યુ તમને મારા પિતાજીની કેવી રીતે ખબર? જેના જવાબમાં ઝાલાવાડીયાએ કહ્યું હતું કે, હું અને તમારા પિતાજી મિત્ર હતા. દુધાતે કહ્યું હતું કે, તમારી પાસે ત્યારે કપડા પહેરવા પૈસા નહતા. ચડ્ડી પહેરવાના પૈસા ન હોતા. જો કે, અધ્યક્ષે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.