Gandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની (Speaker Rajendra Trivedi) સંવેદનશીલતા સામે આવી છે. પાટણના ધારાસભ્ય (Patan MLA) કિરીટ પટેલે (Kirit Patel) પોતાના ક્વાર્ટરમાં સફાઇકામ કરતી બીએડ થયેલી યુવતી અંગે વાત કરતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ વાતની નોંધ લીધી હતી. તેમજ આ મુદ્દે ધારાસભ્ય કિરિટ પટેલ સાથે ચર્ચા કર્યા પછી શિક્ષિત બેરોજગાર યુવતીને મળવા બોલાવી હતી અને તેને તેની લાયકાત પ્રમાણે નોકરી આપવાની બાંહેધરી આપી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, કૈલાશબેન ઠાકોર (Kailash Thakor) હાઉસ વાઇફ છે અને ચાંદખેડા ખાતે રહે છે. દોઢ મહિના પહેલા તે એમએલએ ક્વાર્ટરમાં (MLA Quarter) હંગામી ધોરણે સાફ સફાઇનું કામ કરે છે. કૈલાશબેન ધારાસભ્ય કિરીટ પટેલના ક્વાર્ટરમાં સફાઇનું કામ કરતી હતી. આ સમયે તેણે કિરીટ પટેલને પોતાના અભ્યાસ મુદ્દે વાત કરી હતી અને પોતાને લાયક કોઈ નોકરી હોય તો અપાવવા ભલામણ કરી હતી.
દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં કૈલાશબેન અંગે વાત કરતાં જ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કૈલાશબેન ઠાકોરને મળવા બોલાવ્યા હતા. અધ્યક્ષ સાથે મુલાકાત પછી કૈલાશબેન ઠાકોરો એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેમણે ગુજરાતી-સમાજશાસ્ત્ર સાથે બીએ-બીએડ(BA-B.ed) કરેલું છે અને ટેટ(TAT) પણ પાસ કરેલું છે. તેઓ દોઢ મહિનાથી એમએલએ ક્વાર્ટરમાં હંગામી ધોરણે કામ કરે છે. તેમજ તેઓ ચાંદખેડા રહે છે અને ત્યાંથી ડેઇલી અપડાઉન કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, તેમણે ધારાસભ્યને આ મુદ્દે વાત કરી હતી. આ પછી તેમને અધ્યક્ષ સાથે મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું તેમનો આભાર માનું છું. એમણે મને સરસ રીતે ટ્રીટ કરી. બને તેટલી મદદ કરીશું, તેમ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું. તેમજ બાયોડેટા જમા કરાવવા કહ્યું અને એક લેટર લખાવ્યો. આ લેટરમાં બધી જ ડિટેલ આપી છે. ખરેખર મને આશા છે, દોઢ મહિનાની મહેનત પછી મને લાગે છે કે કંઇક તો થશે.