ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રાજ્યમાં વિદેશી દારૂનો જથ્થો પકડાવાની ઘટનાઓ સામાન્ય છે. આવી એક ઘટનામાં ભાજપના મહિલા નેતા અલ્પાબેન પટેલનો પુત્ર બ્રિજેશ પટેલ દારૂની 250થી વધારે બોટલો સાથે ઝડપાતાં ખળભળાટ મચ્યો છે.


આણંદ જિલ્લાનાં મહિલા નેતા અલ્પાબેન પટેલનો પુત્ર દારૂ ભરેલી કાર સાથે ઝડપાતાં પોલીસે ધરપકડ કરી છે. અલ્પાબેન કરમસદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના કાઉન્સીલર છે. પોલીસે અલ્પાબેન પટેલના પુત્ર બ્રિજેશને પોતાના સાગરિત સાથે ગત કાલે રાત્રે ગાડીમાં રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના 250થી વધુ નંગ વિદેશી દારૂની બોટલો સાથે પો ઝડપી લીધો હતો. બંને સામે પ્રોહિબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસે ગાડીમાં સવાર તેના અન્ય સાગરિતની પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ અનિલ ખેમચંદ માવી તરીકે આપી હતી. પોલીસે દારૂનો જથ્થો, વેગનઆર કાર કિંમત રૂપિયા 3 લાખ તથા બે મોબાઇલ સાથે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાના છે તે અંગે પોલીસે ઉલટતપાસ હાથ ધરી છે.