ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ત્યારે ઉમેદવારોની પેનલ નક્કી કરવા માટે આજે સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાશે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આઠ બેઠકોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા હાથ ધરાશે અને બેઠકોના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશે.


જો કે ભાજપનાં સૂત્રોના મતે, આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે એ પહેલાં પાંચ બેઠકો પર પક્ષપલટુઓની ટિકિટ પાકી છે. મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠ પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી અને કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ મળવાનું નક્કી હોવાનું ભાજપનું સૂત્રોનું કહેવું છે. બાકીની ત્રણ બેઠકો પર ભાજપ ઉમેદવારોની પેનલ બનાવીને હાઈકમાન્ડને મોકલશે.
આ પેનલને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની આઠ બેઠકોના ઉમેદવારોનાં નામની જાહેરાત થશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતા આ બેઠકમાં હાજર રહેશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષપલટુઓને ટીકિટ આપવા સામે અણગમો બતાવેલો પણ ભાજપનાં સૂત્રોના મતે કોંગ્રેસના પાંચ પક્ષપલટુઓની ટીકિટ પાકી છે. ભાજપનાં સૂત્રોના મતે. 8 બેઠકો પૈકી જે 5 બેઠકો પર પક્ષપલટુઓની ટીકિટ પાકી માનવામાં આવી રહી છે તેમાં મોરબી, ધારી, અબડાસા, કપરાડા અને કરજણ બેઠકનો સમાવેશ થાય છે.