ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. સાત બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. ત્યારે સૌરાષ્ટ્રની બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર છે. મોરબી અને ધારી બેઠક પર કાંટાની ટક્કર છે.


મોરબી બેઠકની વાત કરીએ તો અગિયાર રાઉન્ડના અંતે કોંગ્રેસના જયંતિ જયરાજને 17931 મત અને ભાજપના બ્રિજેશ મેરજાને 17375 મત મળ્યા છે. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર 556 મતોથી આગળ છે. જોકે, છેલ્લા ત્રણ રાઉન્ડમાં લીડમાં મોટો ઘટાડો થયો છે. ત્યારે આ બેઠક પર સ્થિતિ ગમે ત્યારે બદલાઇ શકે છે.

આ સિવાય ધારી બેઠકની વાત કરીએ તો ભાજપના જે.વી. કાકડિયા અને કોંગ્રેસના સુરેશ કોટડિયા વચ્ચે કાંટાની ટક્કર છે. સાતમા રાઉન્ડના અંતે ધારી બેઠક પર ભાજપના જે.વી કાકડીયા 2828 મતોથી આગળ છે. ભાજપના જે.વી કાકડીયાને 12,616 અને કોંગ્રેસના સુરેશ કોટડીયાને 9788 મત મળ્યા છે. આમ, આ બેઠક પર પણ સ્થિતિ પલટાઇ તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.