ગાંધીનગરઃ ગુજરાતના 17મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. હવે શપથ લીધાના ત્રીજા જ દિવસે તેમણે પોતાની ટીમમાં ચાર નવા આઇએએસ અધિકારીઓની નિમણૂક કરી છે. 


પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે. તો મનોજ કુમાર દાસને આ જગ્યાએથી દૂર કરવામાં આવી છે.  જ્યારે અશ્વિની કુમારના સ્થાને અવંતિકાસિંધ આવ્યા છે. અવંતિકાસિંધને CMOના સેક્રેટરી બનાવાયા છે. આ સાથે બે આઇએએસ અધિકારીઓને ભુપેન્દ્ર પટેલે પોતાની ઓફિસમાં સ્પેશિયલ ડ્યુટી પર મુક્યા છે. 


આ બે આઇએએસ અધિકારીની વાત કરીએ તો ભરુચના કલેક્ટર એમ.ડી. મોડિયાને સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવી છે. જ્યારે કે.એન. શાહની બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ હવે એમ.ડી. મોડિયા કામગીરી સંભાળશે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર  એન.એન. દવેને પણ સ્પેશિયલ ડ્યુટી પર મુકાયા છે. તેઓ ડી.એચ. શાહની જગ્યાએ કામ કરશે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે.


બીજી તરફ નવા મંત્રીમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે. નવા મંત્રીઓના શપથ પહેલા કમલમ અથવા પાટીલના નિવાસસ્થાને બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે. 


નવા મંત્રીમંડળની રચના જ નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલને જુનિયર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે. હાલ, તો નીતિન પટેલના નિવસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે. જોકે, તેઓ સાડા દસથી અગિયાર વાગ્યે ગાંધીનગર જવા રવાના થાય તેવી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તેમના નિવાસસ્થાને કોઈ ગતિવિધિ નજરે પડતી નથી.