ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ  સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની  મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.


તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર ને તાકીદ કરી હતી. રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.


ભૂપેન્દ્ર પટેલે એનડીઆરએફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ  રાહત કામગીરી ને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય  અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રી ના ઓ એસ ડી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા  હતા.


 ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આ પછી જામનગરના કાલાવડમાં 10 ઇંચ, રાજકોટના લોધિકામાં 7.5 ઇંચ, રાજકોટ શહેરમાં 7 ઇંચ, ધોરાજીમાં 7 ઇંચ, કોટડાસાંગાણીમાં 4.5 ઇંચ, ગોડલમાં 4.2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ, જૂનાગઢ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. 


સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું છે, ત્યારે 10.5 ઇંચ વરસાદમાં શહેર આખું જળબંબાકાર બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાય ગયા છે. ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીધું છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. 5 ટ્રેન સમય કરતા મોડ ચાલી રહી છે. 3 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. 


રાજકોટ શહેરમાં ગઇ કાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે. તેમજ લોકોને એલર્ટ કરી દેવાયા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી 25 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતા રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે.


રાજકોટના નાના મૌવામાં રસ્તામાં પાણી ભરાયા હતા. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ફસાયા હતા. ઈકો ગાડી બંધ થઈ જતા વાહન ધક્કા મારી અને ગાડીને રસ્તા પરથી આગળ લઈ જવામાં આવી. ગોંડલ જામ કંડોરણા હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. જામકંડોરણા ગોંડલ હાઇવે બંધ કરાયો છે.  છાપરવાડી ડેમમાં પાણીની ભારે આવક થતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી હાઇવે પર ફરી વળ્યા હતા. 


જામનગરમાં પડેલા ભારે વરસાદ બાદ બચાવ અને રાહતકાર્ય માટે એન.ડી.આર. એફની ટીમ રવાના થઈ છે. રાહત અને બચાવ કામગીરીમાં એન.ડી.આર. એફ. ની 4 ટીમો કાર્યરત છે. ઍરફોર્સના હેલિકોપ્ટરથી પણ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. 64 લોકો અત્યાર સુધી એયર લિફ્ટ કરાયા છે. 31 અન્ય લોકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે તકેદારી માટે બહારના રાજ્યોમાંથી  પણ ટિમો મંગાવાશે.