ગાંધીનગરઃ અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ 5 ઓગસ્ટે યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રામમંદિરનો શિલાન્યાસ કરવાના છે ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિમંત્રણ નહીં મળે.


રામમંદિરનું નિર્માણ કરનારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય આ કાર્યક્રમ માટે દેશના બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં મળે. કોઈ એક મુખ્યમંત્રીને બોલાવાય તો તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ મોકલવા પડે તેથી યોગી સિવાય કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં આપવાનો નિર્ણય લેવાયો. આ કારણે માત્ર વિજય રૂપાણી જ નહીં પણ દેશની બીજા કોઈ રાજ્યના મુખ્યમંત્રીને નિમંત્રણ નથી અપાયું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાનો રામમંદિર ચળવળમાં મોટો ફાળો હતો, તેથી ઉધ્ધવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સમક્ષ આ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે યોગી સિવાય બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં આપતાં ઉધ્ધવ પણ હાજર નહીં રહી શકે.