ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને કારણે ગુજરાત કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે. રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે.

અત્યારે જે સ્થિતી છે તે જોતાં કોંગ્રેસના બીજા પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડી શકે છે. આ ધારાસભ્યોમાં કનુભાઈ બારૈયા (તળાજા), ચિરાગ કાલરિયા (જામ જોધપુર), હર્ષદ રિબડિયા (વિસાવદર), અક્ષય પટેલ (કરજણ) અને જીતુ ચૌધરી (કપરાડા)નો સમાવેશ થાય છે.



આ ધારાસભ્યોનો સંપર્ક ના થઈ શકતો હોવાથી તેમનાં રાજીનામાંની શક્યતા છે. આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરાઈ પણ ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, આ પાંચેય ધારાસભ્યો સોમવારે જ રાજીનામાં આપી દેશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. આ પહેલાં અમરીષ ટેરનો સંપર્ક પણ નહોતો થઈ શકતો પણ તે રામકથામાં હોવાથી ફોન નહોતો લાગતો એવી સ્પષ્ટતા પછીથી થઈ હતી.