ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજય સરકારનાં મંત્રી ઇશ્વર પટેલ કોરોનાં સંક્રમિત થયા છે. લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી વિધાનસભા ગૃહમાં પણ હાજર રહેતાં હતાં.


ઇશ્વર પટેલે હજુ બે દિવસ પહેલા જ 13મી માર્ચે અંકલેશ્વરના સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આજે તા. 13/03/2021ના રોજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિસોદરા, અંકલેશ્વર ખાતે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો. કોરોના વાયરસની આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ આડઅસર થતી નથી. આપણે કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું જ્યારે દરેક નાગરિક રસી લેશે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ભારતીય રસીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દેશમાં રસીકરણ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે મારી દરેક નાગરિકોને નમ્ર અરજ છે કે કોરોના રસી સ્વૈચ્છિક લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ. 



 


નોંધનીય છે કે, રાજ્ય મંત્રીમંડળના સ્ટાફમાં કોરોના સંક્રમણ વધ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં ૪ કર્મચારી અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિધાનસભામાં પુરષોત્તમ સોલંકીની ચેમ્બરમાં એક પણ સ્ટાફ હાજર નહીં. આ જ રીતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના સ્ટાફમાં પણ એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે. 


આ અગાઉ  વિધાનસભાના સત્ર દરમિયાન હાજર રહેતા દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા. તેમણે કોવિડ-19નો રિપોર્ટ કરાવ્યો હતો. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા બાબુ જમનાને હોસ્પિટલ સારવાર માટે એટમિટ કરવામાં આવ્યાં છે.