ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોરશોરથી કોરોનાનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતમાં કોરોનાની રસી લીધા પછી પણ કોરોના થયો હોવાની ઘટના સામે આવી છે. કોરોનાની રસીનો બીજો ડોઝ લીધા પછી પણ ફરી કોરોનાનો ચેપ લાગતા ભારે ચકચાર જાગી છે.


ગાંધીનગરના સીએમઓ ડોક્ટર એમ.એચ સોલંકીએ જાણકારી આપી હતી કે, વેક્સીનના બે ડોઝ લીધા પછી સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરના દેહગામ તાલુકાના રહેવાસી સ્વાસ્થ્યકર્મીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ 16મી જાન્યુઆરીએ લીધો હતો. તેમજ બીજો ડોઝ 15મી ફેબ્રુઆરીએ લીધો હતો. જોકે, આ પછી તેમને તાવ આવી ગયો હતો. આ સાથે દર્દીને કોરોનાના લક્ષણો પણ હતા. જેની તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ડો. સોલંકીએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યકર્મીને કોરોનાના સાવ સામાન્ય લક્ષણો હોવાના કારણે તેને ઘરમાં જ આઇસોલેશનમાં રખાયા છે. તેઓ સોમવારે કામ કરવાની સ્થિતિમાં આવી જશે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થવામાં સામાન્ય રીતે 45 દિવસનો સમય લાગે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ પણ સાવચેતી રાખવી જરૂરી છે. લોકોએ માસ્ક પહેરવું જોઇએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઇએ.