ગાંધીનગરઃ આજથી ધોરણ 9થી 11 સુધીનું શિક્ષણ વર્ગ ખંડોમાં શરૂ થઈ ચુક્યું છે. ત્યારે હવે ચર્ચા એ છે કે પ્રાથમિક શાળાઓમાં ક્યારે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે. કેમ કે આજે કોવિડના નિયમો સાથે માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે. ત્યારે સરકાર હવે પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડો શરૂ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય લઈને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ શરૂ કરવા અંગે ચર્ચા કરવાના શિક્ષણમંત્રીએ સંકેત આપ્યા છે.
આજથી ધોરણ નવથી 11માં વર્ગખંડમાં શિક્ષણ શરૂ થયું છે. એકથી આઠના વર્ગખંડમાં શિક્ષણની વિચારણા ચાલી રહી છે. પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની ચર્ચા છે. કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ થવાના સંકેત મળ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આજથી 9, 10 અને 11નું શિક્ષણકાર્ય ચાલું થઈ રહ્યું છે. સૌને શુભકામના પાઠવું છે. હવે પછી આ જ પ્રકારે કોર કમિટીમાં ચર્ચા કરીને બાકીના વર્ગોનું શિક્ષણ કાર્ય ચાલું કરીશું.
આજથી રાજ્યમાં ધો. 9થી 11માં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. રાજ્ય સરકારે તો ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે જોકે વાલીઓ અને કેટલાક સ્કૂલ સંચાલકોમાં હજુ પણ ઓફલાઈન શિક્ષણ અંગે નિરસતા જોવા મળી રહી છે.
રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં હજુ સુધી 50 ટકા પણ વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા નથી. સરકારે સ્કૂલ ખોલવાની તો મંજૂરી આપી છે પરંતું સ્કૂલોને વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ ફરજીયાત બનાવી છે. ત્યારે 50 ટકા વિદ્યાર્થીઓની હજુ પણ સંમતિ મળી નથી.
સંમતિપત્રકો મળ્યા નથી ત્યારે કેટલીક સ્કૂલો તો હજુ 3થી 4 દિવસ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાના મૂડમાં નથી. થોડા સમય પહેલા ધો. 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાયા હતા પરંતું વિદ્યાર્થીઓ સ્કૂલે જ નથી આવી રહ્યા. ક્યાંક ને ક્યાંક વાલીઓને હજુ કોરોનાનો ડર સતાવી રહ્યો હોવાથી ઓફલાઈન શિક્ષણમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. કેટલાક વાલીઓ તો બાળકોનું વેક્સિનેશન ન થાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી.
નોંધનયી છે કે, રાજ્ય સરકારે ધોરણ 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપતાં છેલ્લા કેટલાક દિવસોથી સંચાલકો ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવા ઉગ્ર રજૂઆતો કરી હતી. ખાનગી શાળાના સંચાલકોએ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ બુધવારે ઈદની રજાને પગલે ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ ન મળી શકતાં સંચાલકોએ રાજ્ય સરકારને વધુ બે દિવસ આપ્યા હતા. બાદમાં રાજ્ય સરકારે વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી બુધવારે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ હતી અને સરકાર કોઈ નિર્ણય નહી લે તો 24 જુલાઈ ને શનિવારે ગુરૂ પૂર્ણિમાના દિવસથી ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની ચીમકી અપાઈ હતી. જોકે બાદમાં સરકારે 26 જૂલાઈથી વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી હતી.