મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિના પાયા પર રચેલી સર્વાંગી વિકાસની બુનિયાદને ગુજરાતની જનતા જનાર્દને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ મુકીને વધુ ઉન્નત બનાવી છે. આ જન સમર્થન અને જનવિશ્વાસ સાથે ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું. તેમના સફળ સુશાસનના બે વર્ષ ૧૨ ડિસેમ્બર,2024ના પૂર્ણ થયા હતા.
આ પ્રસંગે ‘ગ્યાન’ – ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિના સમૂચિત વિકાસના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047 માટે ચાર મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સશક્તિકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ‘ટીમ ગુજરાતે’ પણ વડાપ્રધાનના આ વિકસિત ભારત 2047 સંકલ્પને વિકસિત ગુજરાતથી પાર પાડવાની નેમ રાખી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. દરમિયાન રાજ્ય સરકારમાં નિમણૂંક પામનારા 600 લોકોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તે સિવાય મુખ્યપ્રધાને શ્રમિક સુવિધા કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. પ્રસંગે લોકોને સંબોધતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા આવી છે. CMના પુત્રને પણ ભલામણથી નોકરી મળે નહીં. પ્રજા કલ્યાણ યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે. આગામી બે વર્ષમાં પાલિકાઓમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવાશે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તમામ પાલિકાને ડોર ટુ ડોર કચરા કલેકશન વાન ફાળવાશે. 2047 સુધીમાં વિકસીત ગુજરાતના સંકલ્પ સાથે સરકાર આગળ વધે છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાશક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન ઉપર ફોકસ કર્યું છે. સરકારે બે વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જન-જનને અનુભૂતિ કરાવી છે. મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ વર્તમાન રાજ્ય સરકારના ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ અવસરે આ ‘ગ્યાન’ આધારિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે.
મુખ્યમંત્રી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નરોડામાં 300 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ‘અન્નદાતા’ને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુએડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને મુખ્યમંત્રી આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે.મુખ્યમંત્રી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ-હબ ખાતે યોજનારા એક કાર્યક્રમમાં સંવાદ-વાતચીત કરશે.
મહિલા ઉદ્યોગ સાહસિકો સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. મુખ્યમંત્રી ‘ગ્યાન’નો ચોથો સ્તંભ એવી નારીશક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટ અપ ઇનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે.