ગુજરાતની સ્કૂલોમાં ઓનલાઇન એજ્યુકેશનને લઈ ચિંતાજનક સમાચાર, સરકારે શું આપ્યો આદેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jul 2020 10:09 AM (IST)
બાળકો જાતિય શોષણનો ભોગ ન બને તેની તકેદારી રાખવા સરકારે ખાસ આદેશ કર્યો છે.
ગાંધીનગરઃ કોરોનાને લીધે સ્કૂલો શરૂ ન થઈ શકતા ક્લાસરૂમ એજ્યુકેશનની જગ્યા હવે ઓનલાઈન એજ્યુકેશને લીધી છે, ત્યારે બાળકો ટેબલેટ, મોબાઈલ, લેપટોપમાં વધુ રહેતા હોવાથી તેઓ જાતિય શોષણનો ભોગ ન બને તેની તકેદારી રાખવા સરકારે ખાસ આદેશ કર્યો છે. ઈન્ડિયા ચાઈલ્ડ પ્રોટેકશન ફંડના તાજેતરના ડિમાન્ડ ફોર ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુસ મટિરિયલ ઈન ઈન્ડિયા રિપોર્ટ મુજબ પોર્ન સાઈટો પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુસ મટિરિયલ વધુ જોવાતું હોઈ તેમજ ચાઈલ્ડ હેલ્પલાઈન પર મોટી સંખ્યામાં જાતિય શોષણની ફરિયાદો આવી છે. જેને પગલે ગુજરાત સરકારે ઈન્ડિયા ચાઈલ્ડ પ્રોટેકશન ફંડના આ રિપોર્ટને ટાંકીને ઓનલાઈન શિક્ષણમાં બાળકો જાતિય શોષણનો ભોગ ન બને તેની ખાસ તકેદારી રાખવા આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગે પ્રોટેકશન ફંડની ભલામણો સાથે શું શું તકેદારી રાખવી તેને લઈને પરિપત્ર કર્યો છે. શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ,પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને આ મુદ્દે સૂચનાઓ આપી છે. જેના પગલે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તમામ ડીઈઓને પણ પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે, હાલામાં સરકારની સૂચનાથી બાળકોને ઓનલાઈન શિક્ષણમાં આપવામા આવી રહ્યુ છે, ત્યારે બાળકો ઈન્ટરનેટ પર ઓનલાઈન રહેતા હોઈ તેઓ જાતિય શોષણનો ભોગ ન બને તેની તકેદારી રાખવી અને તેના આવશ્યક પગલા લેવા.જે અંતર્ગત તમામ સ્કૂલોને આ બાબતે ખાસ જાણ કરવી.