ગાંધીનગરઃ ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યોની તમામ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો ઉપરાંત અંતિમ વર્ષના વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.


ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલોએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા માટે વાલીઓની લેખિત મંજૂરી લેવી પડશે. આ માટે ગુજરાત સરકાર સ્કૂલોને ફોર્મ આપશે. જે વાલીઓ પાસે ભરાવવાનું રહેશે. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલમાં મરજીયાત હોવાનું જણાવ્યું હતું. તેમજ વાલીઓ બાળકો માટે ઓનલાઇન એજ્યુકેશન પણ પસંદ કરી શકે છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલોમાં શિક્ષકે થર્મલ ગનથી વિદ્યાર્થીની તપાસ કરવી પડશે. તેમજ સ્કૂલના પ્રિન્સિપલે સાબૂથી હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા કરવાની રહેશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માટે વાલીઓની પણ મદદ માંગી છે. જેથી સ્કૂલો ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ કરી શકાય.