ગુજરાતમાં લગ્ન સમારોહમાં 200 માણસોની છૂટ પણ હોલમાં લગ્ન-સમારોહ કરનારે પાળવી પડશે આ શરત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2020 12:19 PM (IST)
જ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, તમામ કિસ્સામાં આ છૂટ નહીં મળે અને બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.
ગાંધીનગરઃ કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈને હવે લગ્ન સમારંભમાં 200 લોકોને હાજર રાખવા છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતી કાલ 3 નવેમ્બર, 2020થી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, તમામ કિસ્સામાં આ છૂટ નહીં મળે અને બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે, કોઈ પણ સંજોગોમાં લગ્ન સમારોહમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંખ્યા 200થી વધુ ન હોવી જોઈએ અને બંધ હોલમાં પણ કુલ ક્ષમતાના 50 ટકા સુધીની છૂટમાં પણ 200 વ્યક્તિથી વધારે ના થવા જોઈએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને નિયમમાં સુદારો કરતાં રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે.