અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એક પછી એક પગલા ભરવાના શરૂ કર્યા છે. આગામી 19 થી 27 માર્ચ દરમિયાન ધો 9 થી 12 ની પરિક્ષા યોજાવાની છે. ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના ડીઇઓને પરીપત્ર કર્યો છે. 


પરીપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને આપવી પરીક્ષા પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કન્ટેન્મેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત નહિ રહેનાર હોવાથી જ્યારે તેમનું રહેઠાણ- વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે નવા પ્રશ્નપત્રો સાથે પરીક્ષા લેવાની થશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ  શાળા આવતી હશે તો શાળા કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે પરીક્ષા લેવાની રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડે રાજ્યના ડીઈઓને  આ પ્રકારનો પરીપત્ર કર્યો છે. 





ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપવામાં આવી છે. 


ગુજરાત સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાની છૂટ આપતાં જ અમદાવાદ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે તેમજ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી આગામી નિર્ણય સુધી તમામ જાહેર સ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાની આશંકાના પગલે નિર્ણય લેવાયો છે. 


રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.



રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.



નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.