ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો હતો. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી. જેને હવે નાબૂદ કરવામાં આવી હતી. હવે આવા પ્રવાસીઓએ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારુ મેળવી શકશે. મહેમાનોની મેજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે-તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. તે પહેલા રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે.
નવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવાતા આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) માં દારૂના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે અને દારૂ પીવાના નિયમોમાં થોડી છૂટ આપી છે. રાજ્યના ગૃહ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને GIFT સિટીમાં દારૂના સેવન સંબંધિત નિયમોમાં વધુ છૂટછાટ આપી છે. નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ અન્ય રાજ્યના કે દેશના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલા છૂટછાટને વધુ વિસ્તૃત કરે છે. નવી સૂચના મુજબ, પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ એરિયામાં ભોજન માટે પ્રવેશ કરી શકશે.
GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લૉન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટલ રૂમમાં દારૂ આપવાની મંજૂરી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL-III લાયસન્સ હોય તો. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી. આ નિર્ણય પાછળનું એક મોટું કારણ વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માનવામાં આવે છે. વિદેશી ખેલાડીઓ, સ્ટાફ અને પ્રવાસીઓની સુવિધા માટે સરકાર આ છૂટછાટનો વ્યાપ વધારી શકે છે.
દુબઈ, સિંગાપોર અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરવા માટે ગિફ્ટ સિટીમાં 'નાઈટ ઇકોનોમી' અને કોર્પોરેટ ઈવેન્ટ્સને વેગ આપવો જરૂરી હતો. બિઝનેસ નિષ્ણાતોના મતે, આ નીતિગત ફેરફારથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં હકારાત્મક સંદેશ જશે અને હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટું રોકાણ આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ છૂટછાટો 21 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે જ છે અને નિયમોના ભંગ બદલ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.