ગાંધીનગરઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આજ સાંજ સુધીમાં આ માટેનું પોર્ટલ તૈયાર થઈ જશે, જેના પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. જોકે, સરકારે આ સાથે કયા કયા લોકોને વતન જવા દેવામાં નહીં આવે તે અંગે પણ સ્પષ્ટતા કરી છે.


મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં જવાની કે આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત જે લોકોએ ઓનલાઇન પોર્ટલ પર મંજૂરી નહીં મેળવી હોય, તે લોકો પણ પોતાના વતન જઈ શકશે નહીં.



આ ઉપરાંત પોર્ટલ પર મંજૂરી મળી ગયા પછી તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ સ્ક્રીનિંગ દરમિયાન કોઇ વ્યક્તિને શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે તો આવી વ્યક્તિને વતન જવાની મંજૂરી આપવામાં આવશે. એટલું જ નહીં, વતન પહોંચ્યા પછી ત્યાંના સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા પણ ફરીથી સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો અહીં પણ કોઈ લક્ષણ દેખાશે, તો તેમને ઘરે જવા દેવામાં નહીં આવે.