ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા શિક્ષણ વિભાગ દ્વારા એક પછી એક વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યની રૂપાણી સરકાર આજે સાંજ સુધીમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા મુદ્દે નિર્ણય લઈ શકે છે. જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થાય એવી શક્યતા છે. આ મામલે મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી અને અધિકારીઓની બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં ધોરણ ૬ થી ૮ની પ્રાથમિક શાળાઓ ઓફ લાઇન શરૂ કરવા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. આરોગ્ય વિભાગના મંતવ્યોના આધારે આખરી નિર્ણય લેવાશે. આજે સાંજ સુધીમાં નિર્ણયની જાહેરાત થવાની સંભાવના છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની ચેમ્બરમાં મીટીંગ બેઠક ચર્ચા કરી હતી.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર, 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત તેમજ ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. ગઈ કાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની શિક્ષણ વિભાગ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ વિભાગના મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. 5 સપ્ટેમ્બરે પીએમ મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવા મુદ્દે નિવેદન આપ્યું હતું. સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 15 મી ઓગસ્ટ બાદ શાળાઓના નીચેના ધોરણોના કલાસ શરૂ કરવા સંદર્ભે નિર્ણય લઈશું. અન્ય રાજ્યો કરતા વધુ સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.