ગાંધીનગરઃ ગુજરાત સરકાર મુસ્લિમ દેશોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યમાં આમંત્રિત કરવાના પ્રયાસમાં લાગી છે. સરકાર દેશની સાથે વિદેશ અને અનેક ઇસ્લામિક દેશોના વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે રોડ શો કરવા જઇ રહી છે. આ રોડ શો મારફતે ગુજરાત સરકાર બાંગ્લાદેશ અને અન્ય ઇસ્લામિક દેશોના વિદ્યાર્થીઓને રાજ્યમાં ભણવા માટે આમંત્રિત કરશે.


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિવિધ દેશોનો પ્રવાસ કરશે અને વિદ્યાર્થીઓને રોડ શો મારફતે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરશે. શિક્ષણ મંત્રીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મિડલ ઇસ્ટમાં 14થી લઇને 23 જાન્યુઆરી સુધી રોડ શો કરશે. જેમાં 15 જાન્યુઆરીએ કુવૈત, 17 જાન્યુઆરીએ દુબઇ, 18 જાન્યુઆરીએ મશ્કત અને 19 જાન્યુઆરીએ રિયાધમાં  રોડ શોનું આયોજન કરશે. શિક્ષણ સચિવે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર 'સ્ટડી ઈન ગુજરાત' કાર્યક્રમ હેઠળ બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં રોડ શો કરી વિદ્યાર્થીઓને ગુજરાતમાં ભણાવવા માટે આકર્ષિત કરશે . તે સિવાય શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ઝીમ્બાબ્વે, કેન્યા, ઇથિયોપિયા, યુગાન્ડા અને ભૂટાનમાં પણ રોડ શો કરશે.

'સ્ટડી ઇન ગુજરાત' કાર્યક્રમ હેઠળ સરકારે આફ્રિકન, મિડલ ઇસ્ટ અને સાઉથ એશિયાના 12 દેશોનો સમાવેશ કર્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યની 22 યુનિવર્સિટી જોડાઇ છે જેમાં પાંચ સરકારી યુનિવર્સિટી સહિત સેપ્ટ, ગણપત યુનિવર્સિટી, આઇઆઇટી-રેમ, જીએનએલયુ, એફએસએલ, પીડીપીયુ સહિતની યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.