ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનું કેટલું દેવું છે તેની માહિતી જાહેર કરી હતી. ગુજરાત પર 3 લાખ 20 હજાર 812 કરોડનું દેવું છે. ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં વર્ષ 2021-22ના સુધારેલા અંદાજ પ્રમાણ દેવાની વિગતો જાહેર કરાઈ હતી. એટલે કે ગુજરાતમાં જન્મ લેતું બાળક 50,000 રૂપિયાની આસપાસના દેવા સાથે જન્મે છે. તો સરકારે કેટલુ વ્યાજ ચુકવ્યું તેના જવાબમાં જણાવ્યુ હતું કે વર્ષ 2021 - 22માં સરકારે દેવા પેટે 23 હજાર 63 કરોડનું વ્યાજ અને  24 હજાર 454 કરોડ મુદ્દલ પેટે ચૂકવ્યા હતા.


ગુજરાત સરકાર અદાણી પર મહેરબાન!, કરારથી વિપરીત કરી વીજ ખરીદી


ગાંધીનગરઃ ગુજરાત સરકાર અદાણી પર જાણે કે મહેરબાન થઈ છે. સરકારે અદાણી જૂથ સાથે કરેલા કરાર કરતા વધુ દર ચૂકવી વીજળી ખરીદી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા સવાલના જવાબમાં જણાવાયુ કે વર્ષ 2021માં રાજ્ય સરકારે અદાણી પાવર પાસેથી 5589 મીલીયન યુનિટ વિજળી ખરીદી હતી. જ્યારે વર્ષ 2022માં રાજ્ય સરકારે અદાણી પાવર પાસેથી 6007 મિલિયન યુનિટ વિજળી ખરીદી છે. હકીકતમાં  વર્ષ 2007માં સરકારે અદાણી પાસેથી રૂ. 2.35 પ્રતિ યુનિટે વીજળી ખરીદવાના કરાર કર્યા હતા. જો કે સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ રૂ. 8.83 લેખે પણ વીજળી ખરીદી છે. વર્ષ 2021 થી 2022 સુધીના આંકડા જોઈએ તો સરકારે પ્રતિ યુનિટ 2.83 થી લઈ 8.83 લેખે વીજળી ખરીદી છે.


ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આઠમા દિવસની કાર્યવાહી આજે સવારે 10 કલાકે શરૂ થઈ હતી. ગુજરાત વિધાનસભાની આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કુલ 7 પ્રશ્નોની ચર્ચા થઈ હતી જેમાં મોટાભાગે ઊર્જા, પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રશ્નોત્તરીમાં કેટલાક મોટા ખુલાસાઓ પણ સામે આવ્યા હતા. જેમાં રાજ્યની 447 કંપનીઓ પાસેથી સરકારે છેલ્લા 2 વર્ષમાં વસૂલવાના થતાં રૂ. 44 અબજ 700 કરોડથી વધુના નાણાં બાકી હોવાની વિગતો સામે આવી છે.


બીજી તરફ સરકારે અદાણી સાથે કરેલા કરાર કરતા વધુ દર ચૂકવી વીજળી ખરીદી હોવાની વિગત પણ પ્રશ્નોત્તરીમાં સામે આવી છે. વર્ષ 2007માં સરકારે અદાણી સાથે વીજળી ખરીદવા કરાર કર્યા હતા. કરાર મુજબ અદાણી પાસેથી રૂ. 2.89 અને રૂ. 2.35 પ્રતિ યુનિટે વીજળી ખરીદવાની હતી. સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ રૂ. 8.83 લેખે પણ વીજળી ખરીદી હોવાનું સામે આવ્યું છે.