Jantri Rates: જંત્રીના દર ડબલ કરી નવા દર આજથી લાગુ કરવાના સરકારના પરિપત્ર સામેની માગ મુદ્દે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. ક્રેડાઈ અને ગાહેડના પદાધિકારીઓએ અધિકારીઓની હાજરીમાં મુખ્યમંત્રી સાથેની બેઠકને સકારાત્મક ગણાવી છે. જંત્રીના નવા દર ત્રણ મહિના બાદ જ લાગુ કરવા તેમજ જંત્રીના નવા દર લાગુ કરતા પહેલા વિસંગતતા દુર કરવા સર્વે કરાવવાની માગ સાથે મુખ્યમંત્રીનું વલણ સકારાત્મક હોવાનુ ક્રેડાઈ-ગાહેડના પદાધિકારીઓએ દાવો કર્યો છે. ક્રેડાઈ-ગાહેડની રજૂઆત મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક બાદ ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર કરશે તેવો પણ દાવો થઈ રહ્યો છે. આ તમામ સંજોગોમાં મજબૂત એવી બિલ્ડર અને ડેવલોપર લોબીની માગણીઓનેલઈને સરકાર ટૂંક સમયમાં જ નવો નિર્ણય યુ-ટર્ન સાથે જાહેર કરે તેવી ચર્ચા છે.
તેજસ જોશીએ સીએમ સાથે બેઠક બાદ કહ્યું, અમે નવી જંત્રી 1 મેથી લાગુ કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મુખ્યમંત્રી અને અધિકારીઓએ નવી જાહેરાત કરવાનું વચન આપ્યું છે.
બે દિવસ પહેલા રાજ્ય સરકારે જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. હવે સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
11 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના ભાવ વધ્યા
ગુજરાતમાં જંત્રોનો દર બમણો કરાયો છે. સમગ્ર રાજ્યમાં આ દર સોમવારથી અમલી બન્યો છે. હાલમાં એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં આવશે. બીજી બાજુ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે.
હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે પરથી નક્કી કરાશે
સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતાં પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવાયું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ હતી. જે બાદમાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે.
2011માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા
મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતાં અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ અમલમાં છે. 2019ના ઠરાવથી નિયત સમય મુજબ જાન્યુઆરી-2023માં જ જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે.