ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી (આપ)એ શાનદાર દેખાવ કર્યો છે. ‘આપ’ના કોર્પોરેટરોએ ચૂંટાતાં જ લોકોનાં કામ કરવા માંડ્યાં છે ત્યારે ઉમરગામમાં અભિવાદન સમારોહમાં વિજય રૂપાણી સરકારના વન મંત્રી રમણ પાટકરે આમ આદમી પાર્ટીની કાર્યશૈલીના ભરપૂર વખાણ કર્યા હતાં.

પાટકરે ભાજપના કાર્યકરોએ ‘આપ’માંથી શીખવાની સલાહ આપી હતી. તેમણે આમ આદમી પાર્ટી કાર્યશૈલીના વખાણ કરી કાર્યકરોને લોકોનાં કામ કરવા માટે સક્રિય રહેવા હાકલ કરી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો છે.

‘આપ’ના કોર્પોરેટરો પોતાના મત વિસ્તારમાં લાઉડ સ્પિકર લઇને પહોંચી રહ્યાં છે અને વિવિધ પ્રશ્નો ઉકેલી રહ્યાં છે. આ ઉપરાંત લોકોને મળતી પ્રાથમિક સુવિધાથી ‘આપ’ના કોર્પોરેટરો શહેરીજનોને જાગૃતિ કરી રહ્યાં છે ત્યારે મંત્રી પાટકરે કહ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ ‘આપ’ના કોર્પોરેટરો પાસેથી શીખથવાની જરૂર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જબ્બર સમર્થન સાંપડયુ છે અને અત્યારે ચારેકોર ભાજપ-ભાજપ થઇ રહ્યું છે પણ ભાજપ કાર્યકરોએ લોકોનાં કામ કરવા પર ધ્યાન આપવું જોઈએ એવી શિખામણ તેમણે આપી હતી.