Gujarat Rain: રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં મેઘતાંડવ યથાવત રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. નવસારી અને સુરતમાં 6થી 8 ઇંચ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પાડવાની આગાહી છે. કચ્છ અને પંચમહાલના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 24મી જુલાઈથી ગુજરાતમાં વાતાવરણ હળવું થવાનું અનુમાન છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
વામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં 23 જુલાઇ સુધી મૂશળધાર વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે એક્ટિવ હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ બારે મેઘ ખાંગા થાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે. દ્રારકા, પોરબંદર,જામનગર જિલ્લામાં 22 અને 23 જુલાઇ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. નોર્થ ગુજરાતમાં પણ આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, બનસાકાંઠાના વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઇ બાદ રાજયમાં વરસાદનું જોર ઘટશે.
નવસારીમાં બે કલાકમાં નવ ઈંચ વરસાદ
આજે નવસારીમાં બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. વિસ્તારો બોટમાં ફેરવાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નવસારીના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં કાર તણાઇ હતી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ કાર તણાયાનો વીડિયો બનાવ્યો હતો. ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. શાંતાદેવી વિસ્તારમાં દિવાલ પડતા બે કાર દબાઈ હતી. શાંતિનાથ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી કાર પર દિવાલ પડતાં કચ્ચરઘાણ બોલી ગયો હતો. વરસાદના કારણે ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા ગયા છે. શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે. અનેક બાઈક અને કાર ખોટકાતા ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે.