ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. તે સિવાય કોરોનાના ત્રણ દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે જેમાં સુરતના બે અને રાજકોટના એક દર્દીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંક 87 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 31 કોરોના પોઝિટીવના કેસ નોંધાયા છે. તે સિવાય રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે સાત લોકોના મોત થયા છે.


કોરોનાના કહેર વચ્ચે વધુ 3 કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. જેમાં સુરતના 2 અને રાજકોટના એક દર્દીનો સમાવેશ થાય છે. આજે સુરતમાં એક ડાયમંડ વર્કરને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર બાદ રજા અપાઇ હતી. તે સિવાય શહેરના  ઘોડદોડ રોડના કરીમાબાદ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક શ્રીલંકાથી દુબઇ થઈ 15મીએ સુરત આવ્યો હતો. 19મીએ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને પણ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉપરાંત મક્કાથી રાજકોટ આવેલા યુવાનને 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ આજે રજા આપવામાં આવી હતી. આ યુવાન રાજકોટનો પ્રથમ કોરોના દર્દી હતો.

રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે તેમની પાસે પીપીઈ, ટેસ્ટીંગ કીટ અને માસ્કનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે હોટ સ્પોટ વિસ્તારમાં રેપીડ ટેસ્ટિંગ કીટ મારફત ટેસ્ટિંગ કરવાની પણ વિચારણા શરૂ કરી છે.