ગાંધીનગરઃ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે દાવેદારી કર્યા બાદ નેતાવિપક્ષ પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે આદિવાસી સમાજના ભણેલા-ગણેલા વ્યક્તિને આ પદ માટે પસંદ કર્યા છે. ભાજપે જેને ઉપાધ્યક્ષ પદ માટે પસંદ કર્યા તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા સ્થાપિત કરનારી કોંગ્રેસ સંસદિય પ્રણાલીનુ સન્માન કરે છે.
અધ્યક્ષ તરીકે સત્તા પક્ષને પદ પ્રાપ્ત થાય છે અને એને અમે ટેકો આપ્યો છે. સત્તાના મદમાં ભુલ ભરેલા શાસકો વિપક્ષને પદ આપવાના બદલે પોતાના ઉમેદવાર રાખ્યા છે. અગાઉ આ પરંપરા જળવાતી હતી. કોંગ્રેસનો ઉપાધ્યક્ષ તરીકે પોતાનો અધિકાર છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા ડોક્ટર અનીલ જોશીયારાને ઉપાધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ રજુ કર્યો છે.
ગુજરાત વિધાનસભાના સ્પીકરપદે ભાજપનાં ડો. નિમાબેન આચાર્યની વરણી નક્કી છે. વિપક્ષ કોંગ્રેસે ડો. નિમાબેન આચાર્યની વરણીને સમર્થન આપવાનો નિર્ણય લેતાં સ્પીકરપદ માટે ચૂંટણી નહીં થાય પણ ડેપ્યુટી સ્પીકરપદ માટે ચૂંટણી થશે.
કોંગ્રેસે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારાને ઉમેદવાર બનાવવાનું નક્કી કર્યું છે. ભાજપે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહિરને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે તેમની સામે કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી 27 અને 28 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા સત્ર દરમિયાન થવાની છે. અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ માટે જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે સચિવે માન્ય રાખ્યા છે. અધ્યક્ષ તરીકેના ફોર્મને વિપક્ષના નેતાએ સમર્થન આપ્યું છે.દંડક પંકજ દૈસાઇ અને સંસદિય બાબતોના મંત્રી રાજેંદ્ર ત્રીવેદીની હાજરીમાં ફોર્મ ભરાયું હતું.
નોંધનીય છે કે, વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે. કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષ બનવાનું નક્કી છે. નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હતું.