ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી 27 અને 28 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા સત્ર દરમિયાન થવાની છે. અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ માટે જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે સચિવે માન્ય રાખ્યા છે. અધ્યક્ષ તરીકેના ફોર્મને વિપક્ષના નેતાએ સમર્થન આપ્યું છે.દંડક પંકજ દૈસાઇ અને સંસદિય બાબતોના મંત્રી રાજેંદ્ર ત્રીવેદીની હાજરીમાં ફોર્મ ભરાયું હતું. 


નોંધનીય છે કે, વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે. કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષ બનવાનું નક્કી છે.  


નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હતું.


નોંધનીય છે કે, ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને કાર્યકારી સ્પીકર બનાવાયા હતા. બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. અગાઉ ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં અધ્યક્ષ બનાવાશે. 


નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર બનશે. ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.