રૂપાણી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યના તમામ ઝોનમાં આગામી બે સપ્તાહ સુધી તમાકુ, ગુટખા, પાન-મસાલા, બીડીની દુકાનો નહીં ખૂલે કે આ ચીજવસ્તુઓનું વેચાણ પણ નહીં કરી શકાય. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં લૉકડાઉન લંબાવવા અને તેના ચૂસ્ત અમલ કરવા અંગે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય પણ લેવાયો છે.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે . કૈલાસનાથન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રી ના સચિવ અશ્વિનીકુમાર હાજર રહ્યા હતા અને તેમણે લૉકડાઉન લંબાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને નિયમો તૈયાર કર્યા હતા.
આ જાહેરાત કરતાં અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજ્યમાં રેડ ઝોન વિસ્તારોમાં જીવન જરુરિયાતની દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, ફ્રૂટ, અને દવા સિવાય કોઈ ચીજના વેચાણની છૂટછાટ આપવામાં આવશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર વગેરે મહાનગરપાલિકાઓમાં કારોનાના પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી મહાનગરપાલિકાઓ વિસ્તારોમાં લોકડાઉનનું કડક અને સખ્તાઇથી પાલન કરવામાં આવશે. તેની સાથે જ જ્યાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા જિલ્લાઓમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવમાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.