ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કેટલીય પાલિકાઓમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઇ હતી. અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે બે પાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. જ્યારે ભાજપે 3 પાલિકા પર બહુમતી ન હોવા છતાં કબ્જો મેળવ્યો છે.
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે રાજ્યની 33 બેઠકો પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. જ્યારે 3 પાલિકા એવી છે, જ્યાં ભાજપ પાસે બહુમતી નહોતી છતા સત્તા હાંસલ કરી છે. આ ત્રણ બેઠકોની વાત કરીએ તો આણંદની ઓડ પાલિકા, જૂનાગઢની વિસાવદર અને માણાવદર પાલિકા ભાજપે કબ્જે કરી છે.
બીજી તરફ સાબરકાંઠાની ખેડબ્રહ્મા અને ભાવનગરની તળાજા પાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તળાજા પાલિકામાં 25 વર્ષી પછી કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. તળાજા પાલિકાના પ્રમુખ તરીકે વિનુભાઈ વેગડ અને ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ વાળાની વરણી કરવામાં આવી છે. ખેડબ્રહ્મા પાલિકાની સત્તા કોંગ્રેસે હાંસિલ કરી છે. પાલિકા પ્રમુખ તરીકે સાગર દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે જીગ્નેશ જોશીની વરણી કરાઈ છે. મહત્વની વાત એ છે કે, 14 ભાજપ અને 14 કોંગ્રેસના સભ્યો હતા. જોકે, ભાજપના બે સભ્યો ગેર હાજર રહેતા કોંગ્રેસે સત્તા મેળવી છે.
મધ્ય ગુજરાતમાં મહીસાગરની લુણાવાડા પાલિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસ અને ભાજપના બળવાખોર સભ્યના ટેકાથી એનસીપીના ઉમેદવાર પ્રમુખ બન્યા છે. અહીં એ વાત મહત્વની છે કે, લુણાવાડા પાલિકામાં એનસીપીની એક જ બેઠક હોવા છતાં ઉમેદવાર પ્રમુખ બન્યા છે.
આજે દાહોદની ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. પ્રમુખ પદે કોંગ્રેસના સોનલબેન હરેશભાઈ ડીંડોડ બિનહરીફ વિજેતા થયા છે. ઉપપ્રમુખ પદે અપક્ષના નંદાબેન વાઘેલા વિજયી થયા છે. ભારે હોબાળા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી સંપન્ન થઈ છે. પોલીસના ચુસ્તબંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.
ગુજરાતમાં પાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણીઃ ભાજપે 3 પાલિકા આંચકી, બે ગુમાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 03:23 PM (IST)
રાજ્યની 33 બેઠકો પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. જ્યારે 3 પાલિકા એવી છે, જ્યાં ભાજપ પાસે બહુમતી નહોતી છતા સત્તા હાંસલ કરી છે. આ ત્રણ બેઠકોની વાત કરીએ તો આણંદની ઓડ પાલિકા, જૂનાગઢની વિસાવદર અને માણાવદર પાલિકા ભાજપે કબ્જે કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -