ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ સામે સવાલો ઉઠ્યા જ કરે છે ત્યારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દારૂબંધી હટાવવાની ખુલ્લી તરફેણ કરીને વિવાદ સર્જ્યો છે.


હાલમાં એનસીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા છેલ્લા પંદર દિવસથી દારૂબંધી અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. આ ઉપરાંત તેમણે પોતાના ફેસબુક પેજ પર વીડિયો પણ અપલોડ કરીને ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની ખુલ્લી તરફેણ કરી છે.



શંકરસિંહે પહેલાં ગુજરાતી ભાષા અને પછી હિંદીમાં પોસ્ટ કરીને લખ્યું છે કે, મુંબઇમાં દારુબંધી નથી, રાજસ્થાનમાં દારૂબંધી નથી. મધ્યપ્રદેશમાં દારૂબંધી નથી અને દીવ-દમણમાં પણ દારૂબંધી નથી તો દારુબંધીનું નાટક ગુજરાતમાં કયાં સુધી ખેલવાનું છે આપણે એનો વિચાર કરીએ.

શંકરસિંહે કહ્યું છે કે, હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે, મહેરબાની કરીને આ ઢોંગી અને ખોટી દારૂબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે, ન તો સરદાર સાહેબ ખુશ થાય છે. આખું જુવાનધન ખતમ થઇ રહ્યું છે, ખોટો દારૂ પીને, લઠ્ઠો પીને, બાકીનું બધું જે કાંઇ ધૂપીયું કહેવાય. જે ખરાબ વસ્તુ છે, જે સસ્તુ આપતા હોય છે તે પીને પેઢી ખતમ થઇ ગઇ. ગુજરાતમાં છેતરામણી અને છલનાવાળી આ દારૂબંધીવાળી નીતિનો પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે.