ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા મહેરબાન થયા છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વધુ વરસાદ પડશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અવિરત મેઘમહેર થઈ રહી હોવા છતાં ગુજરાતમાં 6 ટકા અને સૌરાષ્ટ્રમાં હજુ પણ 22 ટકા વરસાદની ઘટ છે.



હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે ગુજરાતના આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, વડોદરા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને દમણ, દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.

સાથે જ બીજા દિવસે પણ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.