Gujarat Rajya Sabha Election 2024: ભાજપે રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, આ લિસ્ટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે, તેમની સાથે સાથે ભાજપે ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભાના ગુજરાતમાથી ઉમેદવાર બનાવ્યા છે. ખાસ વાત છે કે, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની રાજ્યસભાની ટર્મ પુરી થઇ છે અને તેમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા નથી. હવે લોકોમાં ચર્ચાઓ શરૂ થઇ છે કે, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાનું શું થશે. જાણો અહીં..... 


હાલમાં રાજ્યસભામાંથી ટર્મ પુરી કરી ચૂકેલા બે ગુજરાતી નેતાઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા હવે શું કરશે, તેની પણ ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે, જોકે આ અંગે કોઇ પુરતી માહિતી સામે આવી નથી પરંતુ, ચર્ચાઇ રહ્યું છે કે, આગામી લોકસભાને 26 બેઠકોને લઇને ભાજપે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમા આ બન્ને દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી શકે છે.




બન્ને નેતાઓને લોકસભા લડાવે તેવી ચર્ચા -
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તામ રૂપાલાને રિપીટ નથી કરાયા આ પછી ચર્ચાઓ ચાલી રહી છે કે, મનસુખ માંડવિયા ભાવનગર બેઠકથી ચૂંટણી લડી શકે છે, તો વળી, પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠકથી ભાજપ લોકસભાની ટિકીટ આપી શકે છે. 


ગુજરાતની રાજ્યસભાની બેઠકો પર ફરી એકવાર ભાજપે તમામ જાતિ અને ઝૉન સાથે સંકલન સાધીને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ વખતે પણ સૌરાષ્ટ્ર, સુરત, ઉત્તર અને મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ આપ્યુ છે. સુરત સ્થિત હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે, મધ્ય ગુજરાતથી જસવંતસિંહ પરમારને ટિકિટ આપી છે, તો વળી, મયંક નાયકને ટિકિટ આપી ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ સાચવ્યુ છે.


ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચાડે ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


આ પહેલા આજે સવારે ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 5 ઉમેદવારોના નામ છે. ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે માયા નરોલિયા અને એલ મુરુગનને એમપીમાંથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજ નામના બે અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.


આ પહેલા રવિવારે (11 ફેબ્રુઆરી) બીજેપીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહને ઉત્તર પ્રદેશમાંથી ટિકિટ આપવામાં આવી હતી. બીજેપી હરિયાણાના પૂર્વ અધ્યક્ષ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં 14 ઉમેદવારોના નામ સામેલ છે.